Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કેશુબાપા અટલ લોકસેવક હતા : કચ્છ ભાજપ દ્વારા શોકાંજલી

મારા રાજકીય જીવન દરમિયાન તેમની સાથે લાંબા સમય સુધી કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૩૦ : ગુજરાત ભાજપના પીઢ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એવા વડીલ કેશુભાઈ પટેલનો જીવન દિપ બુજાયો હતો. કેશુભાઈ પટેલના અવસાનના સમાચાર જાણીને ભારતીય જનતા પક્ષના શિર્ષસ્થ નેતૃત્વ સહિત સમગ્ર પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ હતી અને એક વ્હાલસોયા વડીલ ગુમાવવાનો રંજ વ્યકત કર્યો હતો.

સોમનાથ મંદિરમાં આજીવન ટ્રસ્ટી પદે રહેલા સ્વ.કેશુભાઈ પટેલને શ્રઘ્ધાસુમન અર્પણ કરવા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી સાંજે એક શોકાંજલી સભા રાખવામાં આવી હતી. આ સભામાં ઉપસ્થિત સૌએ સ્વ.કેશુભાઈ સાથેના પોત પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને સૌના મુખે ગુજરાતે પાયાના પથ્થર જેવો અડગ અને અટલ લોકસેવક ગુમાવ્યાની ચર્ચા હતી.

શિક્ષણમંત્રી   ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમને અંજલી આપતા જણાવ્યું હતું કે સ્વ. કેશુભાઈ પટેલને ક્ષણવાર માટે મળનાર વ્યકિત પણ એમને જીવનભર ભુલી શકતી નથી એવી વિરલ પ્રતિભાના તેઓ સ્વામી હતા. મારા રાજકીય જીવન દરમ્યાન મને તેમની સાથે લાંબા સમય સધી કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું અને તેમના તરફથી સદાય એક વડીલની પેઠે માર્ગદર્શન મળતું રહેતું હતું.

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું  કે, એક ખમતીધર પાટીદાર પુત્ર અને અદના લોકસેવક એવા સ્વ. કેશુભાઈ પટેલના જીવન ચરિત્રનું વર્ણન કરવા માટે શબ્દોના સીમાડાઓ ટુંકા પડે એમ છે. જનસંઘ અને ભારતીય જનતા પક્ષની મુળભૂત વિચારધારાને જીવન પર્યત વળગી રહેલા સ્વ.કેશુબાપા જેવા રાજપુરૂષની વિદાયથી ખાલી પડેલું સ્થાન અને ખોટ કયારેય પુરી શકાય એમ નથી.

આ ઉપરાંત પ્રભારી મંત્રી   દિલીપભાઈ ઠાકોર, ઝોન મહામંત્રી કે.સી. પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છી લેવા પટેલ હોસ્પિટલના સંચાલક અરજણભાઈ પીંડોરીયા, કચ્છ કિસાન સંઘના માજી અધ્યક્ષ અને કિસાન આગેવાન વેલજીભાઈ ભડીયા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિભાગ સંઘ ચાલક શ્રી નવીનભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ સ્વ.કેશુભાઈ પટેલને શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી અને તેમના જીવન કવન પર પ્રકાશ પાડતો સંક્ષિપ્ત વકતવ્ય આપ્યું હતુંઆ શોકાંજલી સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી  પ્રદિપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે,  વલ્લમજીભાઈ હુંબલ,  પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિત પક્ષના વિવિધ હોદેદારો, કિસાન અગ્રણીઓ, પાટીદાર સમાજના વિવિધ આગેવાનો, વિવિધ સમાજો તેમજ સંસ્થાઓના આગેવાનો, શ્રેષ્ઠીઓ તેમજ પક્ષના કાર્યકર્તાઓએ તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી હોવાનું જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસિકલાલ ઠકકરની યાદીમાં જણાવાયું હતું.

(11:32 am IST)