Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ભાવનગરઃ આધેડને મરવા મજબુર કરવાના કેસમાં ત્રણ આરોપીને ૩ વર્ષની સજા અને ૨૫ લાખનું વળતર ચુકવવા હુકમ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૩૦: ભાવનગરમાંᅠ આધેડને મરવા મજબુર કરનાર ત્રણ આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને ત્રણેય આરોપીઓને અધધ .. રૂા . ૨૫ લાખનું ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ મરણજનારના પત્‍નિને વળતર ચુકવવા હુકમ કરાતા આરોપીઓએ રકમ કોર્ટમાં જમા કરાવી હતી જેમાં એક આરોપીને શંકાનો લાભ અપાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપીઓ (૧) દેવાભાઇ મેપાભાઇ મેર (ઉ.વ .૩૮ , રહે . એરપોર્ટ રોડ સુભાષનગર , ભાવનગર) (૨) લખમણભાઇ ઉર્ફે લાખાભાઇ મેપાભાઇ મેર (ઉ.વ .૩૩ રહે . પ્રભુદાસ તળાવ ત્રિમુખી હનુમાનજી મંદીર પાસે , ભાવનગર) (૩) ભરતભાઇ લખમણભાઇ મેર (ઉ.વ .૩૩ , રહે . આનંદ વિહાર અખેડા પાછળ , મતનગર , ભાવનગર) (૪) લખમણભાઇ ઉર્ફે લખાભાઇ કરમણભાઇ ઉર્ફે કમાભાઇ રાઠોડ (ઉ.વ .૪૩ , રહે . જુની માણેકવાડી , ભીલવાડા સર્કલ , ભાવનગર) પાસેથી આ કામના ફરીયાદી શ્રી હરસિધ્‍ધીબેન લાખાભાઇ રાઠોડ (ઉ.વ. ૨૨ , રહે . ઘોઘા રોડ , બાલયોગીનગર , તેજસ્‍વી સ્‍કુલ પાછળ પ્‍લોટ નં . ૧૫ , ભાવનગર) ના પિતા (આ બનાવમાં મરણજનાર) લાખાભાઇ નાજાભાઇ રાઠોડે રૂા . ૬,૦૦,૦૦૦ / ની રકમ અઢી વર્ષ પહેલા ચુકવેલ હોય ત્‍યારબાદ તેઓ વ્‍યાજની રકમ ચુકવી ન શક્‍તા ઉપરોક્‍ત આરોપીઓ મુદ્દલ તથા વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી તેઓની ઓફિસે બોલાવી ગાળો આપી તેમજ ફરીયાદીનું અપહરણ કરી જવાની અને ફરીયાદી ના પિતાને મારી નાખવાની ધમકી આપી નવરાત્રી સુધીમાં મુદ્દલ તથા વ્‍યાજની રકમ ચુકવી દેવા અવાર - નવાર ધાક - ધમકીઓ આપી અસહ્ય માનસિક ત્રાસ આપી મરવા માટે મજબુર કરવા ફરીયાદીના પિતા લાખાભાઇ નાજાભાઇ રાઠોડે તેના ઘરે જાતેથી ગળેફાસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી હતી.

 આ બનાવ અંગે ફરીયાદી હરસિધ્‍ધિીબેન લાખાભાઇ રાઠોડે ઘોઘા રોડ , તા .૧૧ / ૧૦ / ૨૦૧૮ ના રોજ ફરીયાદ નોંધાવતા પોલીસે ઉક્‍ત ચારેય આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૬ , ૫૦૪ , ૫૦૬ (૨) , ૧૧૪ તથ ગુજરાત મનીલેન્‍ડ એક્‍ટ ૪૦ , ૪૨ (એ) મુજબ નો ગુનો નોંધીયો હતો . આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્‍સીપલ ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેસન્‍સ જજ આર.ટી.વચ્‍છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ધ્રુવકુમાર મહેતાની અસરકારક અને કાયદાકીય દલીલો , આધાર , પુરાવા , સાક્ષીઓ , વિગેરે ધ્‍યાને રાખી મુખ્‍ય ત્રણ આરોપીઓ (૧) દેવાભાઇ મેપાભાઇ મેર (૨) લખમણભાઇ ઉર્ફે લાખાભાઇ મેપાભાઇ મેર (૩) ભરતભાઇ લખમણભાઇ મેર ની સામે ઇપીકો કલમ ૩૦૬ મુજબનો ગુનો સાબિતમાની ત્રણેય આરોપીઓને કસુરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા અને પ્રત્‍યેકને રૂા . ૧૦,૦૦૦ નો દંડ આરોપીઓ દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા , ઇપીકો કલમ ૫૦૬ (૨) મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને એક વર્ષની કેદની સજા રોકડા રૂા . ૧,૦૦૦ નો દંડ , ગુજરાત નાણા ધિરધાર અધિનિયમની કલમ ૪૦ મુજબ શિક્ષાપાત્ર ગુનામાં એક વર્ષની કેદ અને રોકડા રૃા . ૧૦ હજારનો દંડ તથા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમની કલમ ૪૨ (એ) મુજબ ૬ માસની કેદની સજા અને રોકડા રૂા . પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો .

 આ ઉપરાંત આ કામે મરણજનારના પત્‍નિ સાહેદ જડીબેન લાખાભાઇ રાઠોડને રૂા. ૨૫,૦૦,૦૦૦/ - ત્રણેય આરોપીઓએ વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો . આરોપીઓએ આ રકમ તુરતજ અદાલતમાં જમા કરાવી હતી . જાણવા મળ્‍યા મુજબ આ વળતરની રકમ ભાવનગર શહેર જીલ્લામાં સૌથી પ્રથમવાર એટલી મોટી રકમ ચુકવવા ડિસ્‍ટ્રીકોર્ટ આદેશ કર્યો હોય તેમ જાણવા મળી રહ્યુ છે . આ ઉપરાંત ઉક્‍ત આરોપીઓએ સજા મોકુફ રાખવા પોતાના વકિલ મારફતે અરજી આપતા અદાલતે ૩૦ દિવસ સુધી સજા મોકુફ રાખવા હુકમ કર્યો હતો . આરોપીઓને હાલ તુરંત મુક્‍ત કરવામાં આવ્‍યા હતા . આરોપીઓએ પોતાના જામીન રજુ કર્યા હતા . આ કામમાં આરોપી નં . (૪) લખમણભાઇ ઉર્ફે લખાભાઇ કરમણભાઇ ઉર્ફે કમાભાઇ રાઠોડ ને શંકાનો લાભ આપી છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:29 am IST)