Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સના બેન્‍ક ખાતા ફ્રીઝ કરવા રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦: ચેમ્‍બર્સ ઓફ કોમર્સના ૧૦ કારોબારી સભ્‍યોની ચુંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોના ફોર્મ રદ કરવાના નિર્ણયને ગેરવ્‍યાજબી ગણાવીને ફરીથી ચુંટણી કાર્યક્રમ કરવા અને ચેમ્‍બરના બેન્‍ક ખાતા ફ્રીઝ કરવાની માંગણી ૧૦ ઉમેદવારી સભ્‍યોએ બેન્‍ક સતાવાળાઓને રજુઆત કરી છે.

ચેમ્‍બર્સ ઓફ કોમર્સ ની થોડા સમય માટે ૧૦ કારોબારી સભ્‍યોની ચુંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ ચુંટણીમાં ભાગ લેનારા ઉમેદવારો (૧) નીલેશભાઇ શાંતીલાલ રૂઘાણી, (ર) રાજેશભાઇ નરોતમદાસ બુધ્‍ધદેવ, (૩) મીલનભાઇ કાંતીલાલ કારીયા, (૪) સુભાષભાઇ ચત્રભુજ ઠકરાર, (પ) નલીનભાઇ રસીકલાલ કાનાણી, (૬) મુકેશભાઇ વૃજલાલ દતાણી, (૭) શ્‍યામભાઇ બીપીનભાઇ રાયચુરા, (૮) ભાવિનભાઇ દુર્લભજીભાઇ કારીયા, (૯) દિપેશભાઇ તુલસીદાસ સીમરીયા, (૧૦) રાજેશભાઇ ધીરજલાલ માંડવીયા ના ફોર્મ રદ કરવામાં આવતાં તે ગેરવ્‍યાજબી નિર્ણય સામે આ સભ્‍યોએ નામદાર ચેરીટી કમીશ્નર રાજકોટની કચેરીમાં કાયદાકીય કાર્યવાહી કરેલ અને ફરીથી ચુંટણી કાર્યક્રમ કરાવવા માંગણી કરીને તથા ચેમ્‍બરની બેન્‍ક ખાતા ફ્રિઝ કરવા સેન્‍ટ્રલ બેન્‍ક શાખામાં રજુઆત કરી છે.

ચેમ્‍બરના આર્થીક વ્‍યવહવારો બેંકમાં થતાં હોય તેમાં કોઇ ગેરરીતી ન થાય, સંસ્‍થાના હિતને નુકસાન ન થાય તે માટે આ તમામ સભ્‍યોએ હાલના આ સંસ્‍થાના યુકો.બેંક તથા સેન્‍ટ્રલ બેંકમાં ખાતામાં નામદાર ચેરીટી કમીશ્નર રાજકોટનો નિર્ણય થતાં સુધી કોઇ આર્થીક વ્‍યવહારો કરવામાં ન આવે અને આ ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવે તેવી આ સભ્‍યોએ બેંકને જાણ કરેલ છે અને બેંકોની રીજીયન ઓફીસમાં પણ આ લેટર ની નકલો આપેલ છે. તેમ કારોબારી ચુંટણીમાં અન્‍યાય થયેલ ૧૦ ઉમેદવારોએ જણાવ્‍યું છે.

(11:35 am IST)