Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મોરબી પાંજરાપોળની ૪૫૦૦ વિઘા વેરાન જમીન પીકનીક પોઇન્ટ બનશે

૧,૧૧,૧૧૧ વૃક્ષો દ્વારા વનીકરણ ચીકુ, કેરી, નાળિયેરી, સાગ, સીસમ, આંબલી, પશુઓના નિભાવ માટે ૮૦૦ વિઘામાં ચારાનું વાવેતરઃ આશરે બે વર્ષ બાદ ગુજરાતનું નંબર વન ફરવા લાયક સ્થળ બની રહે તે દિશામાં પ્રયત્નો ત્રણ વિશાળ તળાવ, તેમાં બોટીંગ, પાર્ટીપ્લોટ, ઉપવન સાથેની વ્યવસ્થા ઉભી કરવા સાથે કમ્પાઉન્ડ વોલ બનાવવા માંગતા ટ્રસ્ટીઓઃ ગૌવંશ માટે ચારા-પાણી, મેડીકલ સુવિધાઓ, રહેવા માટે ખાસ શેડ, સેવા-ચાકરી કરવા માણસો, વિહરવા માટે પુરી વ્યવસ્થા

મોરબીઃ પાંજરાપોળની ૪પ૦૦ વિઘા વેરાન જમીનને ફળદ્રુપ કરીને ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવા કામગીરી થતી નજરે પડે છે.

મોરબી,તા.૩૦ : ગૌ પ્રેમી રાજવી પરિવારે તેમના સમયમાં શહેરના લીલપર રોડ પર ગૌવંશ માટે પાંજરાપોળ, રફાળેશ્વર ખાતે પાંજરાપોળ બનાવવા સાથે આ પાંજરાપોળમાં આવતા અબોલ ગૌવંશના નિભાવ માટે રફાળેશ્વર નજીક , મકનસર વીડ વિસ્તાર તરીકે જાણીતી કુલ ૪૫૦૦ વિઘા જમીન પાંજરાપોળના નામે કરી આપી હતી. આજે આ જમીનની કિંમત કરોડો - અબજો રૂ. થવા જઇ રહી છે.

વર્ષોના અંતે મકનસર વીડ વિસ્તારની જમીન કોઇપણ જાતની માવજત કે કાળજી ન લેવાના કારણે બંજર બનતી ગઇ જમીન પર ન ઘણી માતી હોય તેમ દબાણ થતા ગયા, જમીન પર સિરામીક સોલીડ વેસ્ટના ઢગલા થતા રહ્યા અને જમીનની ફળદ્રુપતાને હતી ન હતી કરી નાખી. બીજી તરફ પાંજરાપોળનમાં આવતા પશુઓની પણ પુરતી સારસંભાળ નહી લેવાતા તેઓની સ્થિતિ પણ દયાજનક બની ગઇ પાંજરાપોળમાં આવતા આવા માંદા ગૌવંશનો નિભાવ માત્ર દાન-પુણ્ય પર જ થતો હતો અને તે પણ અપુરતો.

ત્રણ-ચાર વર્ષ પહેલાં આ પાંજરાપોળમાં ઘડ મૂળથી ફેરફારો થયા, સેવાભાવિ પ્રમુખ ડો. નિતિનભાઇ મહેતા યથાવત રહ્યા અને નવા ટ્રસ્ટીમંડળમાં મોરબીના ગૌપ્રેમી પરિવારના અગ્રણી ઉદ્યોગપતિ વેલજીભાઇ ખોડાભાઇ પટેલ (બોસ) ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ગિરધરભાઇ આદ્રોજા, પ્રાગજીભાઇ હોથી, ભૂપતભાઇ મહેતા(રાજકોટ) સહિતના ટ્રસ્ટીઓ નિમાયા અને ગાંઠ વાળી કે મોરબીના આ પાંજરાપોળની દિશા, દશા અને છાપ બદલી નાખવા છે.

આજે ત્રણ વર્ષના અંતે આ કાર્યમાં તેઓએ ખુબ સફળતા મેળવી છે. અને હજુ અંતિમ લક્ષ્ય તરફ અવિરત આગળ વધી રહ્યા છે.

વીડ વિસ્તાર અને પાંજરાપોળનુ પત્રકારોને પરિભ્રમણ અને દર્શન કરાવવા સાથે ટ્રસ્ટી વેલજીભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે લીલાપર રોડની મુખ્ય પાંજરાપોળ, રફાળેશ્વર પાંજરાપોળ-ગૌશાળામાં હાલમાં ગાયો, વાછરડાઓ, ખુટીયા સહિત કુલ ૩૭૦૦ પશુઓ આશરો લઇ રહ્યા છે. મોરબી, રફાળેશ્વર, મકનસર આ તમામ ગૌવંશ માટે પાકા આર.સી.સી.ના વિશાળ રોડ બનાવવામાં આવ્યા છે.  એક પણ અબોલ જીવને કોઇ ઠંડીમાં, વરસાદમાં કે અતિશય ગરમીમાં તકલીફ ન પડે તે જાતની વ્યવસ્થા સાથે પશુઓને ૨૪ કલાક નિરણ-પુરો અને પાણી માટે અવાડા બનાવ્યા છે. પાંજરાપોળમાં આવતા બિમાર -અશકત ગૌવંશ માટે એક અલગ જ સારવાર વોર્ડ બનાવવામાં આવ્યા છે. જયાં સારવાર આપવા  માટે પશુ ડોકટરો સતત હાજર રહે છે. તેમજ આવા અશકત પશુઓને ઉપાડી હેરફેર કરવા માણસો તૈનાત કરાયા છે. તમામ પશુવોર્ડની નિયમિત સફાઇ કરવા માણસો -યાંત્રિક સાધનો કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમોએ ગૌવંશનું વર્ગીકરણ કરી એ ગ્રેડ, બી ગ્રેડ અને સી ગ્રેડ પાડયા છે અને તેની રહેવાની પણ અલગ વ્યવસ્થા ઉભી કરી છે. અહી આવતી ગાયોની ઓલદ સુધારવા અને આગળના સમયમાં ગીરગાયની પ્રાપ્તિ થાય તે માટે સંસ્થાને એક સાંઢ રૂ. પાંચ લાખની કિંમતનો એવો ૧૪ સાંઢ ખરીદયા છે જે સર્ટીફાઇડ છે.

આ સંસ્થાના તમામ અબોલજીવો માટે કાયમી ધોરણે દાન એકત્ર કરી તેનું ગુજરાન ચલાવવાને બદલે અમોએ આ પશુધન સ્વનિર્ભર બની રહે તે માટે હાલમાં ૮૦૦ વીધામાં નિરણ-ચારોનું વાવેતર કર્યુ છે. પશુઓનુ છાણીયું ખાતર વેચવાના બદલે હજુ વધુને વધુ જમીન ફળદ્રુપ બનાવી રહ્યા છીએ અને તેના ફળસ્વરૂપે સંસ્થામાં પશુ નિભાવણીનો દૈનિક ખર્ચ રૂ. ત્રણ લાખ, મેન્ટેનન્સ અલગ તે અમો બચાવી શકતા આઠ માસ પશુઓ સ્વનિર્ભર બની શકયા છે. ત્રણથી ચાર માસ માટેના ખર્ચની વ્યવસ્થા દાતાઓ દ્વારા કરવામાં આવે છે.

વિશાળ ફલક પર ઉદ્યોગ ધરાવતા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ટ્રસ્ટી વેલજીભાઇએ પાંજરાપોળને આગળના સમયમાં કયા મકામ પર લઇ જવી છે તેની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર અને ફોરેસ્ટના વનીકરણ કાર્ય અંતર્ગત આ વિડ વિસ્તારમાં ૧,૧૧,૧૧૧ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ચીકુ, આંબા, સાગ, સીસમ, આંબલી,લીમડા, નારયેળી સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે.

પાંજરાપોળના અબોલ પશુઓની પૂર્ણ સેવા કરવા સાથે નિભાવવાનો જીવનમંત્ર છે જ, ઉપરાંત અહીં હાલમાં ૩ હજાર લીટર દુધનું ઉત્પાદન થાય છે જે ૩૦ હજાર લીટરે લઇ જવું છે. સંસ્થાને આર્થિક સધ્ધરતા મળે સ્વાવલંબી બને તેવા હેતુ સાથે અહીં જે ગાયનું ધી, ચીકુ અન્ય ફળો મોરબીની સરકારી હોસ્પિટલ સહિત ગરીબ, બીમાર દર્દીઓ સુવાવડી બહેનો માટે શીરો બનાવી તમામ વસ્તુ નિયમિત વિતરણ કરી માનવતાના કાર્યમાં યશભાગી થવા પણ સંસ્થાએ નિર્ણય કર્યો છે. અને એક ઉદેશ્ય એવો પણ છે કે બે વર્ષ બાદ  મોરબી પંથકમાંથી અહીં લોકો ફરવા, પિકનિક મનાવવા આવે, નાના-મોટો પ્રસંગો ઉજવે તેના માટે અહીં ત્રણ વિશાળ તળાવ બનાવવામાં આવ્યા છે. જેની આજુબાજુ વિશાળ પાર્ટીપ્લોટ બનાવી તેના પર લોન ઉભી કરવામાં આવી છે. આ તળાવ લાદીથી મઢીને તેમાં બોટીંગ થઇ શકે, તેની ફરતે સંુદર અને મનમોહક માહોલ ઉભો કરવા આગળ કાર્યવાહી કરવામાં આવશે. પ્રસંગ કરવા માગતા લોકો માટે રહેવા-ઉતારાની વ્યવસ્થા, જમવા માટે હોટલનું પણ વિચાર છે.આ બધા પાછળનો હેતુ-ધ્યેય માત્ર અને માત્ર પાંજરાપોળ સંસ્થા સંપૂર્ણ સ્વનિર્ભર બને ગૌમાતા માટે કયાંય હાથ લાંબો ન કરવો પડે. અહીં જે ફરવા આવશે તે ગાયોના માટે કંઇક તો આપીને જશેને , વોટરપાર્ક પણ બનશે.

આ વિશાળ પાંજરાપોળ વિડ વિસ્તારની હજારો વિઘાને હરિયાળી બનાવવા ૧૮ બોર બનાવી તેના ૫૨૧૮ મોટરો મુકવામાં આવી છે. અને જયાં પણ વાવેતર કે વૃક્ષારોપણ કરવમાં આવ્યું છે. ત્યાં દુરદુર સુધી ટપકપધ્ધતીથી તેનું જતન કરવામાં આવ્યું રહ્યું છે. પ્રવિણભાઇ પટેલ(ઓરેવા) તેમજ વેલજીભાઇએ ૨૨ ટ્રેકટર આપ્યા છે.

હવે એ દિવસો દુર નથી કે જીવદયા પ્રેમીઓ અહી હરતા,ફરતા અને ખુલ્લામાં ચરતા ઢોર નિહાળી શકે. પાંજરાપોળની અંદર વિહરવા માટેના તમામ રોડરસ્તાની  બંન્ને બાજુએ ૧૨૦૦ ઝાડ વાવવામાં આવશે.

પત્રકારોને વીડ વિસ્તાર દર્શન કરાવતી વેળાએ ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ સાથે ઓરેવા ગ્રુપના મેનજીંગ ડીરેકટર પ્રવિણભાઇ ઓ. પટેલ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને ગૌપ્રેમી નાનજીભાઇ(નાનજીકાકા) લોદરીયા સાથે રહ્યા હતા. પ્રવિણભાઇ અવારનવાર મુલાકાત લેતા રહે છે.

આ તકે પાંજરાપોળના તળાવ ખોદવાના કામમાં, ઇલેકટ્રીકના કામમાં, જમીન માપણીમાં નિઃસ્વાર્થ ભાવે શારિરીક યોગદાન આપનાર જી.વી.ઉધરેજા, કડીવાર, કાસુન્દ્રાભાઇ (જીઇબી) તેમજ ગોરડીયાભાઇનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આ પાંજરપોળ વીડવિસ્તારને જો બાજુમાં આવેલ લાપર નજીકથી પાસર થતી નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા સરકાર પાણી આપવાની વ્યવસ્થા કરી આપે તો પશુઓને પીવા માટે, ઘાસ-ચારાના ઉછેર માટે અને વિશાળ વનીકરણને મીઠું પુરતુ પાણી મળશે અને આ જગ્યાને નંદનવન બનતા વાર ન લાગે અને આ બાબતે ટ્રસ્ટીમંડળ ગણત્રીના દિવસોમાં જ મુખ્યમંત્રીને મળી રજુઆત કરવાના હોવાનું જણાવ્યું હતું.

મોરબી એક વિશ્વકક્ષાએ પ્રસ્થાપિત થયેલ ઉદ્યોગનગરી છે. ઉદ્યોગપતિઓ ખુબ ઉદારદિલના છે. દાન આપવામાં કયાંય પાછા પડતા નથી. અને અહીંની પ્રજાજન પણ ખુબ દયાળુ અને ધાર્મિકવૃતિના છે. અને મોરબીને શોભે તેવો એક ગૌઆશ્રમ સાથે સાથ પ્રકૃતિના ખોળે એક રમણીય સ્થળ આ પાંજરાપોળ વીડ વિસ્તાર બનવા જઇ રહ્યું છે. ત્યારે તેના ફરતે વોલ કમ્પાઉન્ડ બનાવવા સહિત અન્ય જરૂરી કામ માટે આશરે સાડાત્રણ થી ચાર કરોડનું ખર્ચ થાય તેમ છે. મોરબી સિરામીક અન્ય ઉદ્યોગજગત, ધર્મપ્રમી જનતા, સેવાભાવિ-સામાજીક સંસ્થાઓ આ કાર્યમાં ઉદાર હાથે-મને આર્થિક સહાય કરે તેવી પાંજરાપોળ ટ્રસ્ટીમંડળના ટ્રસ્ટીઓ તેમજ  પ્રવિણભાઇ ઓ. પટેલે(ઓરેવા ગ્રુપ) અપીલ કરી છે.

નામશેષ થતી આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. તેના મૂળ પાયાની ઇંટ કહી શકાય તેવા ગાડુભાઇ અઘારા અને બજરંગધૂન મંડળ હોવાનૂ઼ અને આ સંસ્થા માટે ખૂબ ભોગ આપ્યાનું તેમજ ગાડુબાપાના દિકરા ઠાકરશીભાઇ અઘારા(સીમ્પોલો ગ્રુપ) વાળાની ગમે ત્યારે આર્થિક સહાય માટેની તૈયારી હોવાનું વેલજીભાઇ એ જણાવ્યું હતું. હાલ પાંજરાપોળનો સંચાલન ખર્ચ મુખ્યત્વે સિરામીક ઉદ્યોગ જગત પર અવલંબે  છે. બજરંગ ધૂન મંડળના સભ્યો રામજીભાઇ દેત્રોજા, વશરામભાઇ દેત્રોજા, જીવરાજભાઇ શેરસીયા, રમણીકભાઇ(ઇટાલીકા) , પ્રફુલભાઇ દેત્રોજા, કુંવરજીભાઇ કાલરીયા ધૂનમંડળના  માધ્યમથી યોગદાન આપતા હોવાનું જણાવ્યું હતું.

(11:41 am IST)