Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

જામનગરના આંગણે ૧૨ વર્ષ પછી રવિવારથી ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા "પૂ.ભાઈશ્રી"ના વ્યાસાસને ભાગવત સપ્તાહ

જામનગરના આંગણે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી ભાગવત સપ્તાહની તડામાર તૈયારીઓ : કથામંડપમાં એક સાથે ૫૦ હજારથી પણ વધુ શ્રોતાગણ બેસી શકે અને કથાનું શ્રવણ કરી શકે, તે માટેની પણ વ્યવસ્થા : કથા મંડપમાં શ્રોતાઓને ગરમીનો જરા પણ અહેસાસ ન થાય, તે માટે પંખા- કુલર સહિતની પણ સુવિધાઓ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૨૯ :  છોટી કાશી થી પ્રચલિત એવા જામનગરના આંગણે આગામી રવિવારને ૧લી મેથી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા જાડેજા) ના પરિવાર તેમના માતૃશ્રી મનહરબા મેરૂભા જાડેજા ના આશીર્વાદથી સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) ના વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

      જામનગરની મધ્યે આવેલા વિશાળ પ્રદર્શન મેદાનમાં વિશાળ કથા મંડપ ઉભો કરાયો છે, જ્યાં ભવ્ય વ્યાસપીઠની રચના કરી લેવાઇ છે. ત્યાંથી "પૂ.ભાઈશ્રી"કથાનું રસપાન કરાવશે.જેની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. 

      ઉપરાંત કથામંડપમાં એક સાથે ૫૦ હજારથી પણ વધુ શ્રોતાગણ બેસી શકે અને કથાનું શ્રવણ કરી શકે, તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરી લેવાઈ છે.હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે કથા મંડપમાં શ્રોતાઓને ગરમીનો જરા પણ અહેસાસ ન થાય, તે માટે પંખા- કુલર સહિતની પણ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી લેવામાં આવી છે. અમરેલીના પટેલ મંડપ સર્વિસ ની ટીમ દ્વારારા સમગ્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

અન્નપૂર્ણા ભોજનશાળામાં પણ પ્રતિદિન ૪૦,૦૦૦ લોકો માટેની પ્રસાદની વ્યવસ્થા ગોઠવાઈ

 ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી ભાગવત સપ્તાહમાં આવનારા શ્રોતાગણ માટે પ્રતિદિન મહા પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેના માટે ડી.સી.સી. હાઇસ્કૂલના મેદાનમાં મોટો સમીયાણો ઊભો કરીને અન્નપૂર્ણા ભોજનશાળા બનાવી લેવામાં આવી છે.

 સૌપ્રથમ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા અન્નપૂર્ણા ની પૂજન વિધિ કરી લેવાયા પછી ત્યાં અન્નપૂર્ણા માતાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં અન્નપૂર્ણા માતાની પ્રતિદિન પૂજા થાય છે, જ્યારે પ્રતિદિન ૪૦થી ૫૦ હજાર લોકો એકસાથે મહા પ્રસાદ લઇ શકે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અને એક હજારથી વધુ સ્વયંસેવકો તેના માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. 

      જેના માટે ચંપકલાલ સહિતની ટીમ પ્રસાદની વ્યવસ્થા નિહાળી રહી છે, અને કથા પ્રારંભના પ્રથમ દિવસથી જ શ્રોતાગણો પ્રસાદ લઇ શકે, તે માટે ની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જ્યાં પણ પંખા-કુલર સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવી લેવામાં આવી છે.

 જામનગરના આંગણે ૧૨ વર્ષ પછી યોજાઇ રહેલી ભાગવત સપ્તાહ ને લઈને જામનગરના અનેક યુવાનોમાં પણ ભારે ઉત્સાહ ભર્યુ વાતાવરણ છે, અને સ્વયંસેવકોની મોટી ટિમ સ્વયંભૂ આ ભગવદીય કાર્યમાં જોડાઇ રહયા છે.

 ભાગવત સપ્તાહના સુચારુ આયોજન માટેની મહત્વની અંતિમ બેઠક

 જામનગરના આંગણે પ્રારંભ થઇ રહેલી પૂ.રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં આવનારા શ્રોતાગણને કથાનું રસપાન કરવા માટેની વ્યવસ્થા જળવાઈ રહે, ઉપરાંત તમામ માટેની પ્રસાદ વ્યવસ્થા, તથા રાત્રિ કાર્યક્રમ સહિતના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોના આયોજન માટે તમામ સેવાભાવી કાર્યકરોની એક અંતિમ મહત્વની બેઠક આજે સાંજે યોજાવા જઇ રહી છે.

 સમગ્ર ભાગવત સપ્તાહના સુચારૂ સંચાલન અને આયોજન માટે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાંજે છ વાગ્યે ડી.સી.સી. ગ્રાઉન્ડમાં આ બેઠક યોજાશે. જેમાં ૨૦૦૦થી વધુ સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત રહેશે, અને સમગ્ર ભાગવત સપ્તાહના તમામ કાર્યક્રમોનું સુચારુ સંચાલન થાય તે માટેની અલગ અલગ ટીમોને જુદા જુદા કામ ની ફાળવણી કરી દેવામાં આવશે.

( તસવીર -  અહેવાલ : મુકુંદ બદીયાણી જામનગર)

(2:49 pm IST)