Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

જામજોધપુરના પાટણ ગામે કાર રોડથી નીચે ઉતરીને ત્રણ-ચાર ગડથોલીયા ખાઇ જતાં અકસ્‍માતઃ એકનું મોત

જામજોધપુર તા.ર૯ : કુતિયાણા તાલુકાના મેવાસા (મેવાસાનેશ) ગામની વતની અરજણભાઇ પરબતભાઇ કરમટા (ઉ.વ.૩૧) પોતાના મિત્ર ખાગેશ્રીગામમાં રહેતા ગોવિદભાઇ સાજણભાઇ ગરચરને સાથે રાખીને રેતીના કામ માટે જામજોધપુર જઇ રહયા હતા. જેમાં ગોવિંદભાઇ કાર ચલાવતા હતા. ત્‍યારબાદ તેઓ હરસાજણનેશ ગામ પાસે પહોંચતા ત્‍યાં તેઓ સાથે અન્‍ય બે મિત્રો લખમણભાઇ અરજણભાઇ મોરી, તેમજ તેમના મિત્ર હરસાજણ ગામના આલાભાઇ જીવણભાઇ મેવ (ગઢવી) વગેરે પણ કારમાં પાછળની સીટમાં બેઠા હતા અને જામજોધપુર જવા માટે નીકળ્‍યા હતા.

દરમિયાન પાટણ ગામની સિમ વિસ્‍તારમાંથી પસાર થતા એક પુલીયા નજીકથી કાર એકાએક બેકાબુ બનીને રોડથી નીચે ઉતરી ગઇ હતી અને ત્રણ ચાર ગડથોલીયુ ખાઇ ગઇ હતી. જેથી ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો.

જે અકસ્‍માતમાં ચારેય મિત્રોને નાની મોટી ઇજા થઇ હતી. જે પૈકી પાછળની સીટમાં બેઠેલા આલાભાઇ જીવણભાઇ મેવને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું ઘટના સ્‍થળે કરૂણ મૃત્‍યુ નીપજયુ હતુ. અકસ્‍માતના બનાવ પછી આસપાસના વિસ્‍તારના લોકો તથા અન્‍ય વાહન ચાલકોએ આવીને ઇજાગ્રસ્‍તોને બહાર કાઢયા હતા અને ૧૦૮ નંબરની એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર માટે  જામજોધપુરની સરકારી હોસ્‍પિટલે લઇ જવાયા હતા.

હેડ કોન્‍સ્‍ટેબલ એ.બી.જાડેજાની તેમની ટીમ સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. અને આલાભાઇના મૃતદેહનો કબજો સંભાળી પોસ્‍ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્‍માતમાં બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્‍યું છે.

(11:33 am IST)