Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પોરબંદર સુદામાપુરીથી અન્ય યાત્રાધામોને જોડતી એસ.ટી બસો ચાલુ કરવા માગણી

પોરબંદર, તા.૨૯: હેલ્થ એજ્યુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ એસટી નીગમના ચેરમેનને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સુદામા પુરી પોરબંદર એ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે અને અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ બહારથી આવે છે. તેમજ પોરબંદરથી પણ અન્ય યાત્રાધામો ખાતે ફરવા માટે અને દર્શનાર્થે અસંખ્ય પોરબંદર વાસીઓ જતા હોય છે પરંતુ પોરબંદરથી અન્ય યાત્રાધામોને જોડતી એસટી બસની સુવિધા અપૂરતી છે જેના કારણે પોરબંદર વાસીઓને ના છૂટકે ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે અને તેના કારણે તોતિંગ ખર્ચ વધી જાય છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સુધી જવા માટેની એસટી બસની સુવિધા અગાઉ શરૃ થઈ હતી તે બંધ થઈ ગઈ હતી તેને પુનઃ શરૃ કરવી જોઈએ કારણકે પૂનમ ભરવા અને અમાસ ભરવા માટે પોરબંદરથી અસંખ્ય શ્રદ્ધાળુ સાળંગપુર જાય છે અને હનુમાનદાદાના દર્શન કરે છે કષ્ટભંજન દેવને શીશ નમાવીને માનતા પૂર્ણ કરે છે પરંતુ સાળંગપુર સુધીની બસની સુવિધા નહીં હોવાને લીધે ફરજિયાત પણે ખાનગી વાહનનો આશરો લેવો પડે છે.

એ જ રીતે પોરબંદર થી અંબાજી સુધીની પણ બસની પૂર્તિ વ્યવસ્થા નહિ હોવાને લીધે એ બાજુ ફરવા જનારા અને યાત્રાધામોના દર્શનાર્થે જનારા લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે પોરબંદર થી અંબાજી સુધીની સીધી બસ શરૃ કરવી જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.

પોરબંદરથી દ્વારકા અને ઓખા અને શિવરાજપુર બીચ સહિતના વિસ્તારો તરફ જવા માટે પણ એસટી બસની સુવિધા છે તે અપૂર્તી છે માટે આ રૃટ ઉપર પણ વધારાની બસની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. તે ઉપરાંત પોરબંદર થી ડાકોર અંબાજી સહિત ખોડીયાર માતાજીના માટેલ ખાતેના મંદિર સુધી જવા માટે પણ એસટી બસની સગવડ પણ પૂરતા પ્રમાણમાં આપવી જોઈએ. તેમ રજૂઆતમાં જણાવાયુ છે.

(2:01 pm IST)