Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મોરબી મચ્‍છુ ડેમ-૩ માં આપધાત કરે તે પૂર્વે મહિલાને બચાવી લેતી ટીમ અભયમ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૯: મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે. જાગળત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇનમાં કોલ કરવામાં આવ્‍યો હતો. તેમણે ટીમને જાણકારી આપી કે, એક અજાણી મહિલા મોરબી મચ્‍છુ ડેમ-૩ પર આપઘાત કરવા જઈ રહી છે. મહિલા કોઈનું સાંભળવા માગતા નથી અને આમતેમ દોડાદોડી કરે અને રડી રહ્યા છે તેમજ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે.

૧૮૧ ટીમના કાઉન્‍સિલર જાગળતિ ભુવા મહિલા કોન્‍સ્‍ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્‍થળે મહિલાની મદદ માટે પહોંચ્‍યા હતા. મહિલાને ત્‍યાંના લોકોએ મચ્‍છુ ડેમ પર જ સુરક્ષિત જગ્‍યાએ બેસાડેલા હતા. સૌપ્રથમ મહિલાને સાંત્‍વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવતા જાણવા મળ્‍યું કે, મહિલાએ સાસુ, સસરા અને પતિના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરવાનું વિચાર્યું હતું.

મહિલા તેના પતિ, સાસુ, સસરા,દિયર, નણંદ અને તેમના ચાર બાળકો સહિતના પરિવાર સાથે રહે છે. સાસરી પક્ષનું કાઉન્‍સિલીગ કરતા જાણવા મળ્‍યું કે, મહિલા બાળકો સાથે મારઝુડ કરે છે અને નાની-નાની વાતે જીદ કરીને ઝઘડા કરે છે. તેથી વારંવાર ઘર છોડીને નીકળી જાય છે.૧૮૧ ટીમે સાસરી પક્ષને જણાવ્‍યું કે, મહિલા સાથે મારઝુડ કરવી અને અપશબ્‍દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે. આમ મહિલાએ જીવનમાં કયારેય આત્‍મહત્‍યાનો વિચાર પણ નહિ કરવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા સહેમત થયા હતા. ઉપરાંત સાસરી પક્ષે અને જેની વાડીમાં મહિલા રહેતા હતા તે વાડીના માલિકે ૧૮૧ ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(12:12 pm IST)