Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબીમાં રાશનકાર્ડની કામગીરી માટે લોકોને ખાવા પડેછે ધક્કા, તંત્ર સામે આક્રોશ.

ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં કામગીરી થતી ન હોય અરજદારોમાં નારાજગી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 થી 10 દિવસથી ઈ કેવાયસી અને રાશનકાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાની રૂટિન કામગીરી છોડી રેશનકાર્ડની કામગીરી માટે અહીં લાઈનમાં ઊભા રહી જાય છે. લોકોને રાશનકાર્ડમાં નામ ચડાવવા, કમી કરાવવા, ઈકેવાયસી કે આધારકાર્ડ લિંક કરાવવા માટે બબ્બે ત્રણ-ત્રણ દિવસ ધક્કા ખાવા પડે છે. તેમ છતાં લોકોના કામ થતા ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.

    મામલતદાર કચેરીએ આવેલા અરજદાર જલ્પાબેન જણાવે છે કે હું રાશનકાર્ડમાં નામ ચડાવવા માટે છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાવ છું. હજી સુધી મારું કામ પત્યું નથી. જયસુખભાઈ પરમાર જણાવે છે કે આ સુવિધા કેન્દ્ર નહીં પરંતુ ખરેખર દુવિધા કેન્દ્ર જેવું લાગે છે. અહીં કામગીરીનો સમય માત્ર 11:00 થી 2:00 વાગ્યા સુધીનો જ છે.પરંતુ કામમાં વારો આવતો ન હોય લોકો ભીડના હિસાબે સવારથી જ અહીં પહોંચી જાય છે. આ ઉપરાંત અહીં પીવાના પાણીની, બેસવાની પણ કોઈ જાતની વ્યવસ્થા નથી. એટલું જ નહીં અહીં એક જ કાઉન્ટર છે જેના હિસાબે પણ કામગીરી ધીમી ચાલી રહી છે.

અન્ય અરજદાર જયશ્રીબેન જણાવે છે કે અમારું રાશનકાર્ડ બંધ થઈ ગયું છે. જે માટે હું છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાવ છું. આ ઉપરાંત પાંચ વર્ષથી રાશન પણ મળતું નથી. અન્ય એક અરજદાર જણાવે છે કે અહીં લાંબી લાઈન હોવા છતાં 2:00 વાગ્યે બારી બંધ કરીને ઓપરેટર જતા રહે છે. જો ટોકન આપવામાં આવે તો ઘણો ફાયદો થાય એમ છે. લોકોનો સમય ઓછો વેડફાય છે. આ ઉપરાંત અહીં ટીસી બે છે, પરંતુ ઓપરેટર એક જ છે. રાશનકાર્ડની કોઈપણ કામગીરી માટે પ્રથમ દિવસે ભરેલું ફોર્મ બીજા દિવસે ચાલતું નથી. બીજા દિવસે બીજું ફોર્મ ભરવું પડે છે અને જો ફોર્મ ભરતા ન આવડે તો 50 રૂપિયા દઈને ફોર્મ ભરાવું પડે છે. ઓનલાઇન કેવાયસી અંગે જણાવે છે કે ઓટીપી આવતો ન હોવાથી ઓનલાઈન કેવાયસી થતું નથી. હરિબેન જણાવે છે કે રાશનકાર્ડમાં નામ ચડાવવા માટે હું આજે અહીં સવારના 08:00 વાગ્યાની આવી છું. હજુ સુધી મારો વારો આવ્યો નથી. તેજલ બેન જણાવે છે કે હું છેલ્લા બે દિવસથી રાશનકાર્ડમાં નામ ચડાવવા માટે ધક્કા ખાવ છુ.

શહેર મામલતદાર કચેરીએ છેલ્લા કેટલાક દિવસોથી અરજદારો હેરાન થતા હોય તે અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં મામલતદાર જણાવે છે કે EKYC માટે રોજ 1000 થી 1500 અરજી ઓનલાઇન આવે છે. જેનો નિકાલ રોજ કરવામાં આવે છે. જે લોકો NFS કાર્ડ ધરાવે છે. તેઓએ એક કેવાયસી કરાવવું ફરજિયાત છે. પુરવઠા વિભાગ દ્વારા લોકોને આ માટેના મેસેજ કરાયા છે. વધુમાં જણાવે છે કે 31 માર્ચ પછી પણ અનાજ મળવાનું ચાલુ રહેશે એવા સમાચાર છે. 11 થી 2ના સમય અંગે જણાવે છે કે આ સમય દરમ્યાન માત્ર અરજી લેવામાં આવે છે. ત્યારબાદ આ તમામ અરજીઓ ઓનલાઈન નાખવાની હોય છે. જે માટે અમારા ઓપરેટરો સાંજના 8:00, 8:30 વાગ્યા સુધી કામ કરતા હોય છે. વધુમાં પીવાના પાણીની તેમજ બેસવા માટેની વ્યવસ્થા હોવાનું મામલતદાર જણાવી રહ્યા છે.નાયબ મામલતદાર સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે જે લોકોનું આધારકાર્ડ લિંક નથી. એટલે EKYC થતું નથી. જેની અહીં ભીડ છે અને દરેકનો વારો આવી જ જાય છે. અમોને 31મી સુધીમાં EKYC કરાવવાની લેખિતમાં કોઈ સૂચના નથી.

(1:07 am IST)