Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ, હજુ કાર્યવાહી ચાલુ રહેશે.

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર દ્વારા આકરા એક્શન લેવામાં આવી રહ્યા છે. જેમાં આ ગુનેગારોએ બે નંબરની કમાણી કરીને ઉભી કરેલી મિલકતો હાલ સિલ કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે સોપો પડી ગયો છે.

    પ્રાપ્ત વિગતો મુજબ ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલ આરીફ મીર, ઇમરાન ચાનિયા હાલ ફરાર છે. આ સહિતના 15 જેટલા શખ્સોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાલ ગૃહ વિભાગના આદેશ મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. આજે મોરબી એ ડીવીઝનના પીઆઇ એચ.એ.જાડેજાની ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં ધામા નાખી આરોપીઓની 12 જેટલી મિલકત સીલ કરવાની કામગીરી કરી છે. આ સાથે વાહનો પણ જપ્ત કર્યા છે. આજના દિવસમાં કુલ 15 મિલકતો સિલ કરવામાં આવી છે. આ ઉપરાંત લાયન્સનગરમાં પણ ભાડે આપેલ મિલકતો સિલ કરવામાં આવી છે.
   ડીવાયએસપી પી.એ.ઝાલાના જણાવ્યા અનુસાર ગુજસીટોકના ગુનામાં 15 જેટલા આરોપીની 25થી વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. હાલ પોલીસ અને પાલિકા દ્વારા આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે. ત્યારબાદ જે મિલકતો સિલ થઈ છે તેની વિગતો જાહેર કરવામાં આવશે.

(12:45 am IST)