Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

પોલીસે જપ્‍ત કરીને નશાકારક ૫૦ બોટલો બારોબાર વેચાણ માટે આપી દીધી : ધોળકા પોલીસ કોન્‍સ. સહિત ૭ની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯: થોડા દિવસ પહેલા ધોળકામાંથી બે શખ્‍સો ૫૦ બોટલ નશાકારક કફ સિરપ સાથે પકડાયા હતા. આ અંગેની એસઓજીની તપાસમાં બાવળા પોલીસ સ્‍ટેશનના કોન્‍સ્‍ટેબલ, બે જીઆરડી જવાન સહિત ૮ શખ્‍સોની સંડોવણી બહાર આવી હતી. આઠ આરોપીઓ પૈકી સાત શખ્‍સોની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી અપાયા છે. જયારે અન્‍ય એક ફરાર આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકા ટાઉન પોલીસે થોડા દિવસ પહેલ શહેરના પોપટ પરા વિસ્‍તારમાંથી નશાકારક કફસિરપ વેંચતા બે શખ્‍સોને ઝડપી પાડયા હતા. આ બાબતની તપાસ અમદાવાદ ગ્રામ્‍ય એસઓજીને સોંપવામાં આવી હતી

પીએસઆઈ ડી.વી. ચિત્રાએ સઘન તપાસ હાથ ધરતાં તપાસમાં બહાર આવ્‍યું હતું કે, બાવળા પોલીસ મથકના એક કોસ્‍ટેબલ, બે જીઆરડી જવાન (એક બાવળા નગરપાલિકા ફાયરનો કર્મચારી), એક ચાની કીટલીવાળો સહીતના ઓએ કેરાળા જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી એક શખ્‍સને કફ સિરપની ૫૦ નંગ બોટલ સાથે પકડયો હતો પરંતુ કોઈ પ્રકારની ફરિયાદ કર્યા વગર કે કોઈ અધિકારીને જાણ કર્યા વગર બારોબાર આ કફ સિરપની બોટલો ધોળકાના શખ્‍સોને વેચવા આપી હતી. તપાસ દરમિયાન કુલ ૮ શખ્‍સોની સંડોવણી બહાર આવતા સાત વ્‍યક્‍તિની ધરપકડ કરી સાબરમતી સેન્‍ટ્રલ જેલ ખાતે મોકલી આપ્‍યા હતા. જયારે અન્‍ય એકને વોન્‍ટેડ જાહેર કરી પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

બાવળા પોલીસ મથકના કોન્‍સ્‍ટેબલ બલવંતસિંહ કાળુભાઇ ચૌહાણ, સુરેશભાઈ ઘેલાભાઈ ભરવાડ, બાવળા પોલીસ મથકમાં જીઆરડી (બાવળા નગરપાલિકાનો ફાયરનોકર્મચારી) સંદીપભાઈ ઉર્ફે લાલો ગોવિંદદાસ સાધુ, જીઆરડી બાવળા પોલીસ સંજયભાઈ દિલીપભાઈ ખાંભલીયા, ચાની કીટલીવાળો- બાવળા ભવાની ઉમેદસીંગ કાઠીયા રહે. ધોળકા મૂળ- ભાવનગર, જીગ્નેશભાઈ અમરીશભાઈ મેટાલીયા, રહે. ધોળકા,રવિરાજસિંહ મહિપતસિંહ જાદવ, રહે. ધોળકા, વોન્‍ટેડ સર્વેશરાય રામકિશોર રાય રહે. મધ્‍યપ્રદેશની આ કેસમાં સંડોવણી બહાર આવી હતી.

આપઘાતનો પ્રયાસ

સાયલા તાલુકાના સીતાગઢ ગામે રહેતી ભાવનાબેન નામની યુવતિના લગ્ન ત્રણ વર્ષ પહેલા વઢવાણ ગણપતિ ફાટસર પાછળ મફતીયાપરામાં રહેતા અકીલ ગોવિંદભાઈ મીંડોળીયા સાથે થયા હતા. ફરીયાદમાં જણાવ્‍યા અનુસાર લગ્નના થોડા સમય બાદ પતિ-સાસુ દ્વારા ત્રાસ આપવાનું શરૂ ગયેલ હતું! પતિ અકિલ તુ કામ ધંધો કરીને મને બેઠા બેઠા ખવડાવ તેમ કહી ત્રાસ આપતો હતો.

ગત તા.૧૮/૩/૨૦૨૩ના રોજ પતિ-સાસુએ તું પિયર જતી રહે તને રાખવી નથી તેમ કહીને માર મારતા કંટાળેલા ભાવનાબેને ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્‍પીટલમાં લઈ જવાયા હતા જયાં તેમની તબીયત સુધારા ઉપર હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે ભાવનાબેને પતિ અકિલભાઈ અને સાસુ જોનાબેન સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઈ.પીકો. ૪૯૮(ક), ૩૨૩, ૫૦૬(૨), ૧૨૪ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.

(12:02 pm IST)