Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સુરેન્‍દ્રનગર ક્ષત્રિય સમાજની જગ્‍યામાંથી ભાજપનું મધ્‍યસ્‍થ કાર્યાલય ખાલી કરવું પડયું

રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજના યુવકોએ આપેલ અલ્‍ટીમેટમ બાદ : સુરેન્‍દ્રનગર ભાજપની ચિંતામાં સતત વધારો : પરસોતમભાઈ રૂપાલાની ઉમેદવારી રદની માંગણી સ્‍વીકારવામાં ન આવતા ખાનગી શાળામાં ભાજપ દ્વારા નવું મધ્‍યસ્‍થ કાર્યાલય બદલવું પડયું

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૪: પરસોતમભાઈ રૂપાલાની ઉમેદવારી ભાજપે રદ ન કરતા અને ટિકિટ પણ પરત ખેંચવામા ન આવતા  ક્ષત્રિય સમાજ લાલઘુમ છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર પણ તેની અસર ભાજપને પડી છે. સુરેન્‍દ્રનગરના ધાંગધ્રા રોડ ઉપર  ક્ષત્રિય સમાજની જગ્‍યામાં આ કાર્યાલય ઊભું કરવામાં આવ્‍યું હતું જો કે ક્ષત્રિય સમાજ વિરોધ વ્‍યક્‍ત કરીને ભાજપનું આ કાર્યાલય ખાલી કરાવ્‍યું છે.

ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા આ કાર્યાલય ખાલી કરાવવા મુદ્દે  ભાજપને અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ આજે ભાજપ દ્વારા આ કાર્યાલય ખાલી કરી અને બાજુમાં આવેલી ખાનગી શાળામાં  કાર્યાલય ખસેડવામાં આવ્‍યું છે પરસોતમભાઈ રૂપાલાના નિવેદન મુદ્દે સુરેન્‍દ્રનગર જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો ક્ષત્રિય સમાજ આપી રહ્યું છે ત્‍યારે હવે ભાજપનું મુખ્‍ય કાર્યાલય પણ ખાલી કરાવવામાં આવ્‍યું  છે.

 પરસોતમભ રૂપાલાના નિવેદનના પગલે સુરેન્‍દ્રનગર જીલ્લા ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે અમુક ગામોમાં કાર્યક્રમમાં બદલવા પડી રહ્યા છે તો અમુક ગામોમાં હજુ સુધી ભાજપના આગેવાનો પ્રચાર માટે પણ ન જઈ શકયા હોય તેવા પ્રકારના કિસ્‍સાઓ સામે આવ્‍યા છે.

     જો કે ગળહમંત્રી હર્ષકુમાર સંઘવીએ બંધ બરણે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને સમાધાનનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયાસ  નિષ્‍ફળ નીવડ્‍યો છે.

(2:28 pm IST)