Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હીટવેવની આગાહી વચ્‍ચે લોકો અકળાયા : ઉનાળો પૂર્ણ રીતે શરૂ થાય તે પહેલા જ આકરો તાપ

મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ જતા રસ્‍તાઓ સુમસામ

રાજકોટ તા. 28 : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને ઉનાળો પૂર્ણ રીતે શરૂ થાય તે પહેલા જ આકરો તાપ પડવા લાગ્‍યો છે.

હીટવેવની આગાહી વચ્‍ચે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ જતા લોકો આકરા તાપથી અકળાયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ શહેર સોરઠમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ જતાં લોકો કાળઝાળ થઈ ગયા છે.

પેલા બે દિવસથી તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે ગઈકાલે જુનાગઢનું 40.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. માર્ચ એન્‍ડિંગમાં જ તાપમાન વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા હતા. હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ હજુ પણ બે દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે.

દરમિયાનમાં આજે પણ સવારે સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 63% અને પવનની પ્રતિક કલાકની ઝડપ છ કિલોમીટરની રહી હતી.

આજે પણ સવારથી જ આકાશમાંથી ધરતી ઉપર અગનગોળા ફેંકવાનું શરૂ થઈ જતા બપોર થતા નહી સાથે જ સૂર્યદેવતા વધુ આગ બબુલા થયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં ગરમીનું જોર વધી રહી છે. રાત્રે ઉષ્‍ણતામાન વધીને 28.8 ડિગ્રી થયું છે અને બપોરનું તાપમાન 38.6 ડિગ્રી ને આંબી જતા ગરમીનું જોરᅠ જોર વધ્‍યું છે

ગોહિલવાડ પંથકમાંᅠ મહત્તમ તાપમાનની સાથે લઘુત્તમ તાપમાન પણ ઊંચે જઈ રહ્યું છે. ભાવનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 38.6 ડીગ્રી નોંધાયું હતું. જયારે આજે ભાવનગર શહેર નું લઘુત્તમ તાપમાન પણ વધીને 28.8 ડિગ્રી રહ્યું હતું .આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49% રહેવા પામ્‍યું હતું .જયારે પવનની ઝડપ6 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી

(10:59 am IST)