Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

હળવદ પાલીકા દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદે દુકાનો ખડકી દીધી

હળવદ, તા., ર૭: છેલ્લા ઘણા સમયથી હળવદના સરકારી ગેસ્ટ હાઉસ એટલે કે સરકીટ હાઉસ રોડ ઉપર તદન ગેરકાયદેસર રીતે કોમર્શીયલ બાંધકામ કરવાનું શરૂ કર્યુ છે અને હાલ એક માળનું બાંધકામ પુર્ણ કરી લઇ બીજા મજલાનું બાંધકામ કરવામાં આવી રહયું છે.

દરમિયાન વાડ જ ચીભડા ગળેતે ઉકિત મુજબ આ બાંધકામ ગેરકાયદેસર રીતે થતુ હોવાની શંકા જતા શહેરભરમાં અનેકાનેક ચર્ચાઓ ઉઠી હતી. પરંતુ લોકો મુંગા મોઢે તમાશો જોતા રહયા હતા. પરંતુ આરટીઆઇ એકટીવીસ્ટ વાસુદેવભાઇ ઇશ્વરભાઇ પટેલ દ્વારા આ મામલે ઉંડાણપુર્વક છાનભીન કરતા ચોકી ઉઠયા હતા કારણ કે જે સ્થળે આ કોમર્શીયલ બાંધકામ થઇ રહયું છે એ જમીન સરકારી ખરાબાની છે.

પાલીકા દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી આ દુકાનો લાખો રૂપીયામાં વેચી દેવા કારસો ઘડી કાઢયો હતો અને નિયમ મુજબ સામાન્ય નાગરીકો પાસે બાંધકામ પરવાનગી અને કંપલીશન સર્ટીફીકેટનો આગ્રહ રાખતી નગરપાલીકાએ એક તો સરકારી જમીનમાં પેશ કદમી કરી ઉપર જતા લોકોએે કોઇપણ જાતની મંજુરી મેળવ્યા વગરનું બાંધકામ પણ ઠોકી બેસાડયું છે.

આરટીઆઇ એકટીવીસ્ટ વાસુદેવભાઇ પટેલે માહીતી અધિકારના કાયદા હેઠળ આ ગેરકાયદેસર બાંધકામ સામે સવાલ ઉઠાવી બાંધકામ અંગે મંજુરી મેળવી છે કે કેમ તે સહીતના અણીયારા સવાલો ઉઠાવતા પાલીકાના ચીફ ઓફીસર જવાબ આપવો શકય નથી અને માહીતી શુન્ય હોવાનું જણાવી પોતાની જવાબદારી ખંખેરી નાખવા પ્રયાસ કર્યો છે.

આરટીઆઇ એકટીવીસ્ટ વાસુદેવભાઇ પટેલે જણાવ્યું કે સામાન્ય લોકો સામે કાયદાનો ધોકો પછાડી બાંધકામ મંજુરીનો આગ્રહ કરતા પાલીકાના તંત્રના આ જબરદસ્ત કૌભાંડ મામલે તેઓ જિલ્લા કલેકટર અને ગાંધીનગર સુધી લડત આપી કાયદાનો ભંગ કરી સરકારી જમીન હડપ કરવાના કારસાને નિષ્ફળ બનાવશે.

કરોડોની કિંમતી સરકારી જમીન ઉપર નગર પાલીકાના સતાધીશો દ્વારા છડેચોક કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવા છતા હળવદ મામલતદાર અને હળવદ પ્રાંત અધિકારી દ્વાાર ચીફ ઓફીસર અને પાલીકાના હોદેદારોની લાજ કાઢતા હોય તેમ ચુપચાપ તમાશો નિહાળી રહયા છે જે શંકાજનક છે.

(12:14 pm IST)