Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગીર સોમનાથ જીલ્લામાં શિયાળાની ઋતુમાં સીઝનલ ફલુ નિયંત્રણ ઉપાયો

ગીરસોમનાથ, તાઃ૨૭: ગીર સોમનાથ જીલ્લામાં શિયાળાની ઋતુને અનુલક્ષીને મોસમી ફલુ (સ્વાઇન ફલુ) ના જુલાઇ સપ્ટેમ્બરના ચક્ર પછી વર્ષના બીજા ચક્રની શરૂઆત થઇ છે. આ રોગની અટકાયત માટે સાવચેતી રાખવી આવશ્યક છે.

સીઝનલ ફલુ શું છે :- સીઝનલ ફલુ ઇન્ફલુએન્ઝા વાયરસથી થતી ફલુ જેવી જ બીમારી છે. જે માણસથી માણસમાં ફેલાય છે. જેનાં લક્ષણો શરદી, ખાસી અને ગળામાં દુખાવો, ભારે તાવ, શરીર તૂટવું અને નબળાઇ, ઝાડા-ઉલટી થવી, શ્વાસ ચઢવો જેવા ન્યુમોનીયાનાં લક્ષણો જાણાય તો તુરંત નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે ડોકટરનો સંપર્ક કરવો અથવા એમ.બી.બી.એસ કે એમ.ડીનો સંપર્ક સાધવો. વધુ સારી રીકવરી માટે રોગનાં પ્રથમ ૪૮ કલાક ખુબ જ મહત્વનાં છે. બાળકો, સર્ગભા સ્ત્રીઓ, સહ-રોગીષ્ઠ દર્દીઓ વધુ સવેદનશીલ  હોય છે.

સીઝનલ ફલુથી સાવચેત રહેવા ઘરેલુ સાવચેતી :- ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો, પાણીમાં નીમક નાખી પાણીના કોગળા કરવા, ગરમ પાણીની વરાળ લેવી, મસાલા ચા પીવો,હર્બલ તથા કાળા મરીનો ઉકાળો પીવો અને પરિવાર -મિત્રોને તંદુરસ્ત રહેવાની સલાહ આપવી.

સીઝનલ ફલુથી સાવચેત રહેવા શું કરવું :- ખાંસી કે છીંક આવે તો મોં પર રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવો, નાંક, મો અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા(ર૦ સેકન્ડ સુધી), આલ્કોહોલ યુકત હેન્ડવોશથી હાથ ધોવા, નાંક કે મોંને ઢાકતો માસ્ક કે બુકાની પહેરવી, જયાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું દા.ત. શોપીંગ મોલ,મેળા, થીયટર વગેરે માંદા વ્યકિતનાં સંપર્કમાં આવવાનું ટાળવું, બિમાર હોય તો ઘરમાં રહેવું, સાર્વજનીક જગ્યા જેવી કે નળ  ઘરનો દરવાજો, કોમ્યુટર માઉસ કે કિબોર્ડ વગેરે વાપર્યા પછી સાબુથી હાથ ધોવા, તંદુરસ્ત જીવન જીવવાં માટે પુરતો આરામ, સાત્વિક આહાર, પાણી વધારે પીવું, કસરત કરવી, તણાવમુકત રહેવું, પાંચ વર્ષથી નાના બાળકો, સર્ગભા સ્ત્રી, ૬૦ વર્ષથી ઉપરનાં વ્યકિતોની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય, લાંબી બિમારીથી પીડાતા વ્યકિત ઉપરાંત દમ-શ્વાસનતંત્રના રોગો, ડાયાબિટીસ, હદય રોગ, કિડની, રકતવીકાર, મગજ અને મજજાતંતુનાં રોગીઓ તેમજ એચ.આઇ.વી.નાં દર્દીઓને આ રોગ જોખમી પુરવાર થઇ શકે છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જેવા કે, જામવાળા, સિંધાજ, ફુલકા, વિઠલપુર, ધોકડવા, ડારી, સિવિલ હોસ્પિટલ વેરાવળ તથા વેરાવળ શહેરી વિસ્તાર પર સિઝનલ ફલુ રોગની અટકાયતી માટે ઉકાળા વિતરણ કામગીરી  કરેલ છે. તેમજ સિઝનલ ફલુ અંગે લોકોને જાગૃત કરવા જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા રિક્ષાનાં માધ્યમથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(12:07 pm IST)