Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

દ્વારકાધીશ મંદિર નજીક ડ્રોન ઉડતાં ખળભળાટ

પોલીસ દ્વારા સીસીટીવી સહિત સઘન ચેકીંગ

દ્વારકા,તા. ૨૭ : દ્વારકાધીશ મંદિરના શિખર પર ગત સાંજે ધ્‍વજાનું આરોહણ કરાય રહ્યુ હતુ તે સમયે શિખરની આજુબાજુ ડ્રોન કેમેરો ઉડતો જોવા મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે સીસીટી કેમેરા સહિત સઘન ચેકીંગ હાથ ધર્યું છે.

ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતાં યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિર પર ગત સાંજે એક મનોરથીના ધ્‍વજાજી આરોહણ પ્રસંગ સમયે મંદિરના શિખર પાસે એક ડ્રોન કેમેરો ઉડતો જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. ગત સાંજે મંદિર પર પાંચમી ધ્‍વજાજીના આરોહણ સમયે જગતમંદિર શિખર આસપાસ ડ્રોન કેમેરો જોવા મળતાં જગતમંદિરના ડી.વાય.એસ.પી. સમીર શારડાએ પી.આઇ. પરમારને જાણ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પ્રાથમિક તપાસમાં ધ્‍વજાજીના આરોહણ સમયે ડ્રોન કેમેરો ઉડતો જોવા મળ્‍યો હોય કોઇ મનોરથી ડ્રોન ઉડાડયો હોવાની આશંકા સેવાઇ રહી છે. ડ્રોન કેમેરા અંગે પોલીસે કેટલાક સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી શરૂ કરી છે ત્‍યારે કેમેરો નવા ગોમતી ઘાટ આસપાસ સુદામા સેતુની આજુબાજુની ઉડયો હોવાનું મનાઇ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષા કાજે આજુબાજુના વિસ્‍તારમાં ડ્રોન કેમેરો ઉડાડી ફોટોગ્રાફી કે વીડીયો શુટીંગ કરવા સામે પ્રતિબંધ છે.

(11:40 am IST)