Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પોરબંદરની વીજ કચેરી સામે કોંગ્રેસ દ્વારા ધરણા

વીજ પ્રશ્નો હલ કરવા જરૂરી સમાન વીજ કચેરી દ્વારા અપાતો નથીઃ ફોલ્ટ રીપેર કરવા પુરતા હેલ્પરો નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૬: જીલ્લાની વીજ કચેરી દ્વારા પ્રશ્નો હલ કરવા માટે જરૂરી વીજ સામાન પુરો પાડવામાં આવતો ન હોય તેમજ વીજ ફોલ્ટ રીપેર કરવા પુરતા હેલ્પરો ન હોય વીજ પ્રશ્નો લાંબા સમયથી હલ થતા નથી તે સામે કોંગ્રેસે રોષ વ્યકત કરીને વીજ કચેરી સામે ધરણા કરી વીજ તંત્રને સજાગ કર્યુ હતું. કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ-કાર્યકરો ધરણામાં જોડાયા હતા.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે હાલ ચોમાસાની સીજન ચાલુ હોય પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારને વિજ પુરવઠો પુરી પાડતી પશ્ચિમ ગુજરાત વિજ કંપનીની ગંભીર બેદરકારીને કારણે જરૂરી સામાનની ખુબ મોટી અછત સર્જાય છે જેને કારણે ગંભીર વિજ અકસ્માતનો ભય માનવ જીંદગી ઉપર તોળાય રહયો છે. ઉપરાંત સમયસર વિજ સામાન મળતના ન હોવાને કારણે અવાર નવાર વિજ પુરવઠો ખોરવાઇ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ઉપરાંત હાલમાં ચોમાસુ વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને પિયતની ખુબ જરૂરીયાત ઉભી થઇ છે. પરંતુ ટી.સી. કે એલ.ટી.લાઇનના વાયરો સમયસર બદલાતા ન હોય ખેડુતોના કુવાઓ અને વોકળા-તળાવોમાં પાણી હોવા છતા ખેડુતો વિજ પુરવઠાના અભાવે ખેતીમાં પીયત કરી શકતા નથી. વખતોવખત પશ્ચિમ ગુજરાત વિજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને આ અંગે રજુઆતો કરી હોવા છતાં વિજ પ્રશ્નોનું નિરાકરણ આવતુ ન હોય આ મુદ્દે વિજ ગ્રાહકો અને ખેડુતોને પડી રહેલી મુશ્કેલીને વાચા આપવા માટે ધરણા કર્યા હતા.

આ અંગે રામદેવભાઇ મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા વિજ સમસ્યાઓ હલ કરવા માટે જરૂરી સામાન જેવા કે વિજ ટ્રાન્સફોર્મર, એલ.ટી.લાઇનના વાયરો, સપલા સહીતના સામાનની લાંબા સમયથી તંગી સર્જાય છે. ઉપરાંત વીજ ફોલ્ટ રીપેર કરવા માટે જરૂરી હેલ્પરો અને લેબરોની મોટી ઘટ હોય તેમજ  પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓને મોટી સંખ્યામાં ઉના સહીતના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં નિયુકત કર્યા હોય સ્ટાફ અને કર્મચારીઓની મોટી ઘટને કારણે વીજ સમસ્યાઓ લાંબા સમય સુધી હલ થતી ન હોય વિજ ગ્રાહકો અને ખેડુતોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

(12:43 pm IST)