Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ડેઇલી બચત-ફિકસના ૯૩ લાખ ચાંઉ કરી જનાર ગોંડલ મર્કન્ટાઇલ સોસા.ના ૩ એજન્ટો સામે ગુન્હો નોંધાયો

કેતન, દિનેશ તથા તેના ભાઇ અનિલ ભાલાળાએ રૂપિયા ઉઘરાવી સોસા.માં જમા ન કરાવી અનેક સાથે છેતરપીંડી કરીઃ એક આરોપી કેતનનું મૃત્યુ થઇ ગયું છે

રાજકોટ તા. ર૬ :.. ગોંડલમાં અનેક લોકો પાસેથી ડેઇલી બચત અને ફિકસ ડીપોઝીટના ૯૩ લાખ રૂપિયા ઉઘરાવી ક્રેડીટ સોસાયટીમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉં કરી જનાર મર્કન્ટાઇલ સોસાયટીના ત્રણ એજન્ટ બંધુઓ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ ખોડીયારનગર મંગલમ પાર્ક શેરી નં. ૧ માં રહેતા અને વેપાર કરતા સંજય ખોડાભાઇ ડાભીએ આરોપી કેતન ઘુસાભાઇ ભાલાળા, દિનેશ ઘુસાભાઇ ભાલાળા તથા તેના ભાઇ અનીલ ઘુસાભાઇ ભલાળા રે. ત્રણેય જેતપુર રોડ કૃષ્ણનગર તથા તપાસમાં ખુલ્લે તેની સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત ત્રણેય આરોપીઓએ શ્રી ગોંડલ મર્કન્ટાઇલ કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.ના એજન્ટ દરજજે ફરીયાદી તથા અન્ય સાહેદોને વિશ્વાસમાં લઇ ડેઇલી બચત તથા ફિકસ ડીપોઝીટના નામે રૂપિયા ઉઘરાવી તે રકમ ક્રેડીટ સોસા.માં જમા કરાવવાના બદલે બારોબાર ચાઉ કરી જતા પાછી નહીં આપી આપી. ફરીયાદી તથા સાહેદો સાથે કુલ ૯૩,૪પ,૪૧૦ રૂ. ની છેતરપીંડી કરી હતી. ઉકત ત્રણેય એજન્ટ બંધુઓ પૈકી કેતનનું મૃત્યુ થઇ ગયું છે.

ગોંડલ પોલીસે ઉકત ત્રણેય સામે આઇ.પી.સી. ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીઆઇ એમ.આર. સંગાડા તથા રાઇટર હરૂભા જાડેજા ચલાવી રહ્યા છે.

(11:48 am IST)