Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સુરજદેવળ મંદિરના દર્શને સી.આર.પાટીલ

કાઠી રાજવી પરિવાર, સંતો, મહંતો, ભાજપના કાઠી ક્ષત્રિય આગેવાનો દ્વારા સ્‍વાગત

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૨૪: ચોટીલા નજીક સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનાં ઇષ્ટદેવનાં નવા સૂરજદેવળ મંદિર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખની દર્શન સન્‍માન સાથે રાજકીય ભેદભરમજનક કાર્યક્રમ યોજાયેલ એક તરફ રાજકોટમાં રૂપાલાનાં વિવાદાસ્‍પદ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો ચાલું છે ત્‍યારે પાટીલની મુલાકાતને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

ચોટીલા નવા સુરજદેવળ મંદિરને પવિત્ર યાત્રાધામ તરીકે સમાવેશ કરી યાત્રા વિકાસ બોર્ડ દ્વારાᅠ૨.૮૭ᅠલાખની વિકાસ માટે ગ્રાન્‍ટ ફાળવાયેલ છે તેના આભારનાં ભાગરૂપી આ કાર્યક્રમ યોજાયેલ હોવાનું જાહેર કરાયેલ હતું પરંતુ રવિવારનાં ચાર કલાકનો નિર્ધારિત સમય હતો સૌરાષ્ટ્રના ભાજપ સાથે સંકળાયેલા અનેક આગેવાનો સાથે જસદણ સહિતનાં કાઠી દરબાર રાજ પરિવારનાં અનેક નાના મોટા રાજવીઓ સાથે મોટી સંખ્‍યામાં લોકો સાથે દેહાણ જગ્‍યાનાં મહંતો ઉપસ્‍થિત હતા મંદિર પટ્ટાગણમાં ૯૦ થી વધુગાળાનો ૫૦૦ જેટલી ખુરસીઓ સાથેના સ્‍ટેજ સાથે મંડપ સમીયાણો નખાયેલ હતો પરંતુ સમય કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ બે કલાક થી વધુ મોડા આવ્‍યા હતા

પાટીલ સાથે જીલ્લાનાં બે ધારાસભ્‍યો, જીલ્લા ભાજપ પ્રમુખો સહિતનાં સાંજે ૬:૧૫ ના અરસામાં નવા સુરજદેવળ પહોંચતા તેઓનું સ્‍વાગત કરાયું હતું અને સીધા ભગવાન સૂર્યનારાયણનાં દર્શન અને આરતી ઉતારી સભા સ્‍થળને બદલે અલગ બેઠક વ્‍યવસ્‍થા ઉપર તમામ સાથે ઉપસ્‍થિત બની કાઠી સમાજની પવિત્ર ધાર્મિક જગ્‍યાનાં સંતો મહંતો દ્વારા આ તકે પુષ્‍પ ગુચ્‍છ અને મંદિરની પ્રતિમા આપી સ્‍વાગત સન્‍માન કરવામાં આવેલ અને કોઇ પણ ભાષણ પ્રવચન વગરની મૌનસ્‍થઃ મુલાકાત પતાવી સી.આર.પાટીલ રવાના થયા હતાં

આ કાર્યક્રમને લઈને અનેક અટકળો ઉઠી હતી અને કાર્યક્રમ પૂર્વે અને કાઠી સમાજનાં અન્‍ય આગેવાનોએ નિવેદનો આપેલ તેઓ આંદોલન સાથે હોવાનું તેમજ મુલાકાત દરમ્‍યાન વિરોધ કરવામાં આવશે, તેમજ સુરેન્‍દ્રનગર કોગ્રેસનાં ઉમેદવારે આદર્શ આચારસંહિતા ભંગની દહેશત વ્‍યક્‍ત કરી હતી જેને કારણે વિવિદ ટાળવા કોઇ પણ ભાષણબાજી, સભા વગરની મૌનસ્‍થઃ સમાન ગણતરીની મિનિટોમાં કાર્યક્રમ સમેટાયેલ હોવાનું મનાય છે.

ક્ષત્રિય સમાજ દ્વારા અનેક બેઠકો ઉપર વિરોધ પ્રદર્શનો ચાલી રહેલ છે ત્‍યારે પાટીલની કાઠી ક્ષત્રિય સમાજનાં ઇષ્ટદેવનાં મંદિરે મુલાકાત કાર્યક્રમ કોઇ રણનીતિનો ભાગ હોવાનાં તર્ક વિતર્કો વહેતા થયા હતા.

(10:31 am IST)