Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબીના આમરણ ગામમાં તસ્કરોનો તરખાટ, એક જ રાત્રીના ૪ દુકાન અને બે મકાનને નિશાન બનાવ્યા.

મોરબી પંથકમાં તસ્કરોને ખાખીનો કોઈ ડર જ રહ્યો ના હોય તેમ ધારે ત્યારે ગમે ત્યાં ત્રાટકીને ચોરીને અંજામ આપતા હોય છે તો ચોરીના આટલા બનાવો છતાં પોલીસની ઊંઘ ઉડી ના હોય ત્યારે ગત રાત્રીના આમરણ ગામમાં એક સાથે ચાર દુકાનો અને બે મકાનને નિશાન બનાવી તસ્કરોએ ફરી વખત પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે
મોરબીના આમરણ ગામમાં ગત રાત્રીના તસ્કર ટોળકી ત્રાટકી હતી અને એક જ રાત્રીમાં ચાર દુકાન અને બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં ગામમાં આવેલ ભૂમિ ટેઇલર્સ, વકીલ વિમલ માનસેતાની ઓફીસ, રવિ રાંદલ એન્ટરપ્રાઈઝ ને બહુચરાજી પાન એમ ચાર દુકાન અને નજીકમાં આવેલ બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં દુકાનોમાંથી તસ્કરોએ પરચુરણ રોકડ રકમ અને સામાનની ચોરી કરી હતી તો બે મકાન પૈકી એક મકાન ખાલી હોય જેમાંથી કાઈ હાથ લાગ્યું ના હતું તો અન્ય મકાનમાંથી પણ કીમતી દલ્લો તસ્કરોને હાથ લાગ્યો ના હતો અને દુકાનોમાંથી મળેલી પરચુરણ રકમથી જ તસ્કરોએ સંતોષ માનવો પડ્યો હતો
જોકે ઠંડીનું જોર વધતા જ તસ્કરોનું જોર પણ વધવા લાગ્યું છે તો ઠંડીની સિઝનમાં પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં આળસ કરતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ આળસ ખંખેરી નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે અને ચોરીના બનાવો બનતા અટકાવવા કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

(11:54 am IST)