Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ખંભાળિયાના સલાયામાં પોલીસ મોટુ 'ઓપરેશન' પાર પાડશે ?

પોલીસ ઉપર ટોળાએ કરેલ હુમલો અને ફરજમાં રૂકાવટ બાદ : સોનાની દાણચોરી, ઘુસણખોરી, તસ્કરી, ગાંજા, હેરોઇન સહિતની અસામાજીક પ્રવૃતિમાં મોખરે રહેલા સલાયાની વધતી હિંમતને ડામવા પોલીસની કવાયત તેજ : પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્રાઇમ બ્રાંચ એસઓજી સહિતની સ્કર્વોડ સક્રિય બની : આવતા દિવસોમાં નવાજુનીના એંધાણ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૨૫ : ખંભાળિયામાં ગૃહમંત્રી આવવાના એક દિવસ પહેલા જ સલાયામાં મહોરમમાં તાજીયા બહાર કાઢવા બાબતે પોલીસ અને પબ્લીક વચ્ચે થયેલા ઘર્ષકમાં પોલીસ ઉપર હુમલો કરનાર ૧૫ મુખ્ય સહિત ૫૦૦૦ લોકોના ટોળા સામે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ સુચના આપેલ હોય જે અન્વયે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, ક્રાઇમ બ્રાંચ, એસઓજી તથા સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી છે. જેને લઇને પણ મોટા પ્રત્યાઘાતો પડયાં છે. બાબતને ધ્યાનમાં રાખી પોલીસે અતિ ગુપ્ત ઓપરેશન હાથ ધરી શકે છે. અગાઉ પણ જિલ્લા પોલીસ વડા સહિતની જિલ્લાની મહત્વની બ્રાંચના અધિકારીઓ અને ટીમે મેગા નાઇટ સર્ચ કર્યું હતું. જ્યારે હવે પોલીસ પર વળતા હુમલા થવા લાગતા આ બાબતને ગંભીર ગણાવી જિલ્લા પોલીસ વડા એકસનમાં આવી જઇ કાર્યવાહી તેજ બનાવી છે. અને આવતા દિવસોમાં તોફાનમાં સામેલ મુખ્ય આરોપીઓ સહિતનાને પકડી પાડી કાયદાનો પાઠ ભણાવવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સલાયા દરિયાઇ પટ્ટીમાં અગાઉ પણ મોટી સોનાની દાણચોરી, હથીયાર સહિતની ગેરકાનુની પ્રવૃતિઓ ખુલ્લી પડી હતી અને હાલ પણ તસ્કરી,દાણચોરી, ગાંજો, હેરોઇજ મળી આવવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઇ ચુકયા છે. અને તે વધુમાં પોલીસ ઉપર એક સંપ થઇ હુમલો કરી અસામાજીક તત્વોની હિંમતમાં વધારો ન થાય તે માટે પોલીસ આવતા દિવસોમાં મોટુ ગુપ્ત ઓપરેશન હાથ ધરવાની તૈયારીમાં હોવાનું બિનસતાવાર સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

(11:01 am IST)