Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

આઝાદી બાદ પ્રથમવાર ભાવનગરના કોટિયા ગામે પહોંચી ST બસ

ગ્રામજનોએ વાજતેગાજતે સામૈયું કર્યુંઃગામમાં પ્રથમ વખત સરકારી બસ આવી ત્યારે ગ્રામજનોમાં ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો હતો

ભાવનગર, તા.૨૫

એક તરફ જયારે ગુજરાતને વિકાસનું મોડલ ગણાવવામાં આવે છે, રાજ્યમાં આધુનિક સુખ સુવિધાઓ વધી રહી છે. જાહેર સેવાઓની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ જબરદસ્ત રીતે સુધરી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાંનાં લોકોએ ગામમાં ક્યારેય એસટી બસની સુવિધા જોઈ ન હતી. એમ તો આ વાત નવાઈ પમાડે એવી છે, કેમ કે એકબાજુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ગામને આઝાદીના ૭૬ વર્ષ થયા છતાં એસટીની સુવિધા મળી ન હતી. ત્યારે હવે ગામમાં પ્રથમ વખત સરકારી બસ આવી ત્યારે ગ્રામજનોમાં ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો હતો.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. આ ગામના લોકોએ આઝાદી પછી પહેલી જ વાર પોતાના ગામમાં ST બસ જોઈ. પહેલી વખત આવેલી બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું. ત્યારે ગ્રામજનોએ વાજતેગાજતે બસનું સામૈયું કર્યું. આ ગામમાં ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ ST બસની સુવિધા શરૃ કરવામાં આવી છે. ગામમાં સરકારી બસની સુવિધા શરૃ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

સરકારી બસની સુવિધા ગામમાં શરૃ થતા ગામના લોકોએ પહેલીવાર ગામે પહોંચેલી બસમાં બેસવાની મજા પણ માણી હતી. ગામના લોકોએ બસ અને બસના ડ્રાઈવર બંનેનું સામૈયા કરીને સ્વાગત કર્યું હતું. ગામની દીકરીઓ અને સાધુસંતોએ પણ ઘણા ઉત્સાહ સાથે બસના વધામણા કર્યા હતા.

(9:23 pm IST)