Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

હવે કોંગ્રેસને જ વોટ કરીશુ : ખંભાળીયામાં ભાજપ સામે ક્ષત્રિય સમાજનો હુંકાર

ખંભાળીયામાં ક્ષત્રિય અસ્‍મિતા ધર્મરથનું આગમન : ભાજપની નીતિ સામે આક્રોશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૫: પરસોતમભાઇ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્‍યારે ખંભાળીયામાં ભાજપ સામે ક્ષત્રિય સમાજે હુંકાર કરીને હવે કોંગ્રેસને જ વોટ કરીશુ તેવો નિર્ણય કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા રાજપૂત સમાજ વાડી ખાતે ક્ષત્રિય સમાજે  હુંકાર કર્યો છે. ખંભાળિયા ખાતે ક્ષત્રિય અસ્‍મિતા ધર્મરથ પહોંચ્‍યો જ્‍યાં સમાજ વાડી ખાતે બેઠક મળી હતી. જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ભાજપ સામે  રાજપૂત સમાજ મેદાને પડયો છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત નહિ આપવાનો રાજપૂત સમાજે નિર્ણય કર્યો છે. અન્‍ય સમાજોને પણ સાથે રાખી સો ટકા મતદાન ભાજપના વિરોધમાં કરાવાશે..ભાજપ ધારત તો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકત પરંતુ ભાજપે કરી નથી...ભાજપની નીતિ પર શાબ્‍દિક પ્રહારો રાજપૂત સમાજના સંકલન સમિતિના સભ્‍ય સંજયસિંહ ચુડાસમાએ કર્યા છે. ગત રાત્રીના ખંભાળીયા રાજપૂત સમાજ વાડી ખાતે વિશાળ સંખ્‍યામાં રાજપૂત સમાજના લોકો એકત્ર થયા હતા.

(1:57 pm IST)