Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

અકુપારઃ ગુજરાતી મંચ ઉપર જીવતું થતું ગીરનું જંગલ!

ગીરનાં સાવજ, માલધારીઓ અને ગીરની ધરતીના ધીંગા ગૌરવની ધ્રુવ ભટ્ટની નવલકથાનું અદિતિ દેસાઇ દ્વારા હૃદયસ્‍પર્શી મંચન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. રપ :.. ગુજરાતી રંગમંચ ઉપર આવતીકાલે કદાચ પહેલી જ વાર ગીરનું જંગલ જીવતું થવા જઇ રહ્યું છે. ગુજરાતના ગૌરવ અને સ્‍વાભીમાનના પ્રતિક ગણાતા ગીરના સાવજની, પોતાના માલ-ઢોરનું મારણ કરતા સિંહોને પણ છાતી ફાડીને પ્રેમ કરતા માલધારીઓની અને ગીરની ધીંગી ધરાની મર્યાળી વાતો કહેતી ગુજરાતી ભાષાની એક અનોખી જ સાહિત્‍યકૃતિ ‘અકુપાર' ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં પણ એક ‘હરિયાળુ' પાનું ઉમેરાશે. માણસને જીવનને અને આપણી સંસ્‍કાર સંસ્‍કૃતિને પોતાની આગવી આંખે  જોનારા અને પોતાની નવલકથાઓમાં આલેખનારા સર્જક ધ્રુવ ભટ્ટની આ ‘અકુપાર' નવલકથાને દિલ્‍હી સાહિત્‍ય અકાદમીનું ઇનામ પણ મળ્‍યું છે., તો ‘અકુપાર' નાટકના દિગ્‍દર્શીકા અદિતિ દેસાઇ પણ ટાગોરના નાટક ‘અચલાયતન', નારાયણ દેસાઇના નાટક ‘કસ્‍તુરબા' સહિત અનેક સર્જનો દ્વારા પોતાની ઊંચી કલાસૂઝના દર્શન કરાવી ચૂકયા છે.

લગભગ બે કલાકની સમય અવધિમાં બે અંકો દ્વારા રજૂ થનારા ‘અકુપાર' નાટકમાં ર૧ કલાકારો કુલ ૪ર ભૂમિકાઓ ભજવે છે. પોતાની નાટય-પ્રસ્‍તુતી અને અભિનય કલા જીવંત બની રહે તે માટે આ કલાકાર-કસબીઓએ ગીરના જંગલની બે વાર મુલાકાત લીધી છે. માલધારીઓ વચ્‍ચે રહી એમની રહેણી-કરણી, ભાષા, વેશ-પરિવેશ અને જીવન જીવવાની એમની વિચારસરણી, માન્‍યતાઓ અને સંવેદનાઓ પણ જાણી - સમજી છે. ગીરના જંગલનાં પંખીઓનાં મધુર કલરવ સાંભળ્‍યા છે તો ગીરના રાજા સિંહની ડણકો પણ સાંભળી છે. એનું રેકોર્ડીંગ કરી નાટકમાં પણ ઉપયોગ કર્યો છે જેથી પ્રેક્ષક માટે નાટકનો ગીરનો અનુભવુ વધુ સઘન બની શકે.

કસબીઓમાં મંચ-સજજાનું કામ જાણીતા રંગકર્મી કબીર ઠાકોરે સંભાળ્‍યું છે. સંગીતમાં લોકગાયનનો વિનિયોગ અને પરંપરીત મૃત્‍યુગાનના ‘મરશિયા'નો પણ ઉપયોગ  કરી નાટકના અનુભવને વધુ ‘સમૃધ્‍ધ' કરવાની કોશિષ કરવામાં આવી છે.

જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્‍ડેશન અને ગુજરાત વિદ્યાપીઠ ગાંધી થિયેટર પ્રસ્‍તુત આ નાટક - આ જ સંસ્‍થાઓના અગાઉના નાટક ‘કસ્‍તુરબા' ની જેમ એમની સામાજિક નિસબત પુરવાર કરનારું સર્જન બની રહ્યું છે.

‘કસ્‍તુરબા' ની જેમ જ આ નાટકનું હિન્‍દી ઉપરાંત મરાઠી અને અંગ્રેજીમાં પણ ભાષાંતર થાય અને મંચન ઉપરાંત ફિલ્‍મ બને તેવી સંભાવનાઓ ઊભી થઇ છે તેવું ‘અકુપાર' ના સર્જક -લેખક ધ્રુવ ભટ્ટે જણાવ્‍યું હતું.

આ નાટક જોવું તે જીવનનો એક યાદગાર અનુભવ બની રહેશે એવું જરૂર કહી શકાય.

(4:18 pm IST)