Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

અમરેલી જિલ્લામાં ૧૧ તાલુકાદીઠ એક જ્ઞાનસેતુ ડે સ્‍કૂલ, શહેર કક્ષાએ ૩ જ્ઞાનસેતુ સ્‍કૂલનું નિર્માણ કરવામાં આવશે

અમરેલી તા.૨૫:  ગુજરાત રાજય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન શક્‍તિ રેસીડેન્‍શિયલ સ્‍કૂલ, જ્ઞાન શક્‍તિ ટ્રાયબલ રેસિડેન્‍શિયલ સ્‍કૂલ, જ્ઞાન સેતુ ડે સ્‍કૂલ અને રક્ષા શક્‍તિ સ્‍કૂલ વિવિધ જિલ્લાઓમાં શરુ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં પણ  ૧૧ તાલુકાદીઠ એક જ્ઞાનસેતુ ડે સ્‍કૂલ, શહેર કક્ષાએ ૩ જ્ઞાનસેતુ સ્‍કૂલનું નિર્માણ થશે.  આ શાળાઓમાં ગુજરાત રાજયની સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્‍યલક્ષી, ઉચ્‍ચ ગુણવત્તાયુક્‍ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, નિવાસી છાત્રાલય, રમત ગમત, કલા અને કૌશલ્‍ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષા પદ્ધતિઓ અને ઉચ્‍ચ અધ્‍યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ શાળાઓ તેમજ મોડેલ સ્‍કૂલમાં વર્ષ ૨૦૨૩-૨૪ શૈક્ષણિક વર્ષમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે રાજય સ્‍તરની કોમન એન્‍ટ્રસ ટેસ્‍ટનું આયોજન થશે. આ તમામ શાળાઓ ધો. ૬ થી ધો.૧૨ સુધીની રહેશે. આ ઉપરાંત સંપૂર્ણ શિક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક રહેશે. અમરેલી જિલ્લાને ૧૪ જેટલી જ્ઞાનસેતુ ડે સ્‍કૂલ મળશે. જેમાં જિલ્લામાં ૧૧ તાલુકાદીઠ એક જ્ઞાનસેતુ ડે સ્‍કૂલ, શહેર કક્ષાએ ૩ જ્ઞાનસેતુ સ્‍કૂલનું નિર્માણ થશે. શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૩-૨૪ ધો.૬માં એડમિશન માટે તા.૨૭ એપ્રિલ,૨૦૨૩ના રોજ કોમન પ્રવેશ પરીક્ષાનું આયોજન છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધો. ૧ થી ધો.૫નો અભ્‍યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન પ્રવેશ પરીક્ષા માટે (એન્‍ટ્રસ ટેસ્‍ટ) તા.૨૩ માર્ચ થી તા.૫ એપ્રિલ, ૨૦૨૩ દરમિયાન ઓનલાઈન ફોર્મ શાળા કક્ષાએથી જ ભરી શકશે. સમગ્ર પ્રક્રિયા શાળા કક્ષાએથી જ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા પાસ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધો.૬ થી ધો.૧૨ સુધી ગુણવત્તાયુક્‍ત શિક્ષણ આપવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્‍યું છે.

(1:31 pm IST)