Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પીંડારા ગામે ગાયોને મારી નાખતા ત્રણ પરપ્રાંતિય શખ્‍સો સામે ગુનો

જામ ખંભાળિયા, તા. ર૫ : કલ્‍યાણપુર તાલુકાના પિંડારા ગામે કંડોરની સીમમાં રહેતા ડાડુભા બાબભા કુરાણી નામના ૩૫ વર્ષના હિન્‍દુ વાઘેર યુવાને મહારાષ્‍ટ્ર રાજ્‍યના નંદુરબારના મૂળ વતની અને હાલ પીંડારા ગામની સીમા રહેતા અશોક ધનાભાઈ વસાવે, નિતેશ રાજુ વસાવે અને ચેતન કિલીયા વસાવે નામના ત્રણ શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ ગત તારીખ ૧૮ માર્ચથી તારીખ ૨૩ માર્ચના રાત્રીના સમયગાળા દરમિયાન પીંડારા ગામની સીમમાં આરોપી શખ્‍સોએ ફરિયાદી ડાડુભાની માલિકીની રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતની સફેદ વાગડ ગાયને ધારદાર કુહાડાથી ફટકારી અને ગાયના શિંગડાના ભાગે તથા અન્‍ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આટલું જ નહીં, આરોપી શખ્‍સો દ્વારા અન્‍ય એક સાહેદ અભુભાની રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતની અને ચાર વેતરની કાબરી ગાયને પણ આ જ રીતે  કુહાડા વડે જીવલેણ રીતે માર મારી, હત્‍યા નીપજાવી હતી.

આ સમગ્ર બનાવ અંગે કલ્‍યાણપુર પોલીસે ત્રણેય પરપ્રાંતિય શખ્‍સો ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ, પ્રાણી ક્‍ૂરતા નિવારણ અધિનિયમની જુદી જુદી કલમ ઉપરાંત આઈ.પી.સી. કલમ ૪૨૯, ૧૧૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, કાર્યવાહી હાથ કરી છે.

ગાયોને આ પ્રકારે નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારવાના આ બનાવથી ગૌપ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી જોવા મળી છે.

(1:17 pm IST)