Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મોરબીમાં દસ્‍તાવેજ નોંધણી માટે ટોકન ખલાસ થઈ જતા ૯૦૦ પક્ષકારો દસ્‍તાવેજથી વંચિત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૫:  ૧૫ એપ્રિલે નવા જંત્રી દર લાગુ થવાના હોવાથી નૂન જંત્રી દર પ્રમાણે દસ્‍તાવેજ બનાવવા લોકોએ ભારે ધસારો કરતા મોરબીની સબ રજિસ્‍ટ્રાર કચેરીએ દસ્‍તાવેજ નોંધણીમાં આગઝરતી તેજી આવી છે. એટલે નવા જંત્રી દર લાગુ થવાની તા. ૧૫ એપ્રિલ સુધી તમામ ટોકન બુક થઈ ગયા છે. તેથી હજુ ૯૦૦ જેટલા પક્ષકારો ટોકનથી વંચિત છે. આથીતંત્રની વ્‍યવસ્‍થાકીય ખામીનો ભોગ નાગરિકોને ન બનવું પડે તે માટે પૂરતા સ્‍લોટો ફાળવવા રેવન્‍યુ બાર એસો.એ રજુઆત કરી છે.

મોરબી રેવન્‍યુ બાર એસોસિએશને મોરબી સબ રજિસ્‍ટ્રાર અધિકારીને રજુઆત કરી છે કે, ૧૫ એપ્રિલ સુધી ઘણા લોકો જુના જંત્રી દર મુજબ દસ્‍તાવેજ બનાવવા માટે પડાપડી કરતા હોવાથી ટોકન માટે પોર્ટલ ઉપર જેવા સ્‍લોટો બહાર પડે કે તુરત જ ટોકન બુક થઈ જાય છે છેલ્લે જે સ્‍લોટો ખુલ્‍યા તે પૂરતા હતા નહિ. એટલે ૧૫ એપ્રિલ સુધીના તમામ ટોકન બુક થઈ ગયા છે. તંત્રની આવી વ્‍યવસ્‍થાકીય ખામીનો ભોગ લોકોને બનવું પડે છે .હજુ ૯૦૦ જેટલા પક્ષકારો ટોકનથી વંચિત છે. એટલે પૂરતા સ્‍લોટો ફાળવવા જરૂરી છે અને સ્‍ટાફ પણ ઓછો છે. તેમજ પાંચ મિનિટમાં કામગીરી થાય તો જ ૧૫/૪ પહેલા બધા દસ્‍તાવેજ બની શકશે નહિતર ઘણા લોકો બાકી રહી જશે. આથી રવિવારે તેમજ શનિવારે રજના દિવસોમાં પણ કામ ચાલુ રાખવા તેમજ પૂરતા સ્‍લોટો ફાળવવાની માંગ કરી છે.

(1:13 pm IST)