Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સાવધાન મોરબી : કોરોનાના નવા ૨૩, એકટીવ કેસનો આંક ૬૧

મોરબી,તા.૨૫: નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસ જેમાં ૧૩ ગ્રામ્‍ય અને ૦૮ શહેરી વિસ્‍તારમાં જયારે વાંકાનેરનો ૦૧ અને માળિયા તાલુકાનો ૦૧-૦૧ કેસ ગ્રામ્‍ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે સતત ત્રણ દિવસથી કોરોના કેસોમાં વધારો થતા એક્‍ટીવ કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે માત્ર ત્રણ દિવસના સમયગાળામાં ૫૮ નવા કેસો નોંધાઈ ચુકયા છે જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્‍ય તંત્રએ અપીલ કરી છે.

ગુજરાતભરમાં કોરોનાના કેસ વકરી રહ્યા છે અને મોરબી જીલ્લામાં પણ માત્ર બે દિવસમાં ૩૫ નવા કેસો નોંધાયા હોય જેથી આ અંગે મોરબી જિલ્લા કલેક્‍ટર જી.ટી.પંડ્‍યાએ આરોગ્‍ય વિભાગ સાથે બેઠક યોજી હતી અને કોરોના કેસોને રોકવા કેવા પગલાઓ ભરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જે બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપતા જીલ્લા કલેકટરે જણાવ્‍યું હતું કે મોરબી જીલ્લામાં એક સિવિલ હોસ્‍પિટલ આવેલ છે જેમાં મેડીકલ કોલેજ પણ છે સાથે જ જીલ્લામાં ૩૦ પીએચસી અને પાંચ સીએચસી કાર્યરત છે કોરોનાના વધતા કેસોને ધ્‍યાને લઈને ટેસ્‍ટીંગ વધારવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે હાલ કોઈ દર્દી ક્રીટીકલ નથી પરંતુ કોરોના ફેલાતો રોકવા માટે દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્‍યા છે મોરબી તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં કેસો વધુ નોંધાયા હોય જેથી જેતપર અને મહેન્‍દ્રનગર વિસ્‍તારમાં ટેસ્‍ટીંગ વધારી દેવામાં આવ્‍યું છે અને કોન્‍ટેક્‍ટ ટ્રેસિંગ એટલે કે સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનાર વ્‍યક્‍તિના પણ ટેસ્‍ટીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત દિવસ દરમિયાન હાલ ૩૦૦ થી વધુ નાગરિકોના ટેસ્‍ટ કરવામાં આવી રહ્યા છે અને આજથી દૈનિક ૧૧૦૦ થી વધુ લોકોના ટેસ્‍ટ કરવામાં આવશે સી.એચ.સી, પી.એચ.સી. અને સિવિલ હોસ્‍પિટલ સહિતના સ્‍થળોએ ૧૧૦૦ થી વધુ લોકોના ટેસ્‍ટ કરવામાં આવશે.

(1:11 pm IST)