Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં પેશકદમીની હિલચાલ અટકાવવા મેયર સહિત દોડી ગયા

હવેલીની કિંમતી જમીન ખરીદનાર દ્વારા પાળા પર પોલ મુકી ફેન્‍સીંગ કરાય તે પહેલા કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : જૂનાગઢની મધ્‍યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું પ્રથમ તબક્કામાં રૂા. ૬૦ કરોડનાં ખર્ચે બ્‍યુટીડીકેશનનું કામ થઇ રહ્યું છે ત્‍યારે સરોવરમાં બિલ્‍ડર દ્વારા પેશકદમીની તજવીજ થતા મેરય સહિતના દોડી ગયા હતા. અને દબાણ કરવાની હિલચાલ અટકાવી હતી.

નરસિંહ મહેતા સરોવરને અડીને આવેલ કરોડો રૂપિયાની હવેલીની મસમોટી જમીન કેટલાક બિલ્‍ડરોએ હવેલી પાસેથી ખરીદી છે જેના પગલે બિલ્‍ડર દ્વારા જમીનની માપણી હાથ ધરવામાં આવી હતી.

પરંતુ બિલ્‍ડરે તેની જમીનની હદ નરસિંહ મહેતા સરોવરની અંદરના ભાગમાં આવતી હોવાનું દર્શાવી ત્‍યાં હદના પોલ નાખવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

આ અંગેની જાણ થતા મેયર ગીતાબેન પરમાર, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશ પરસાણા, ટાઉન પ્‍લાનીંગ ઓફિસર બી.એસ.ગામીત, કાર્યપાલક ઇજનેર અલ્‍પેશ ચાવડા સહિત અધિકારીઓ તેમજ કર્મચારી તુરત જ દોડી ગયા હતા અને પેશકદમીની હિલચાલ અટકાવી દીધી હતી.

હાલ સરોવરનાં બ્‍યુટીફીકેશનમાં ભાગરૂપે સરોવરની અંદરની બાજુએ ૨૦ મીટર પહોળાઇનો માટી, પથ્‍થર, રેતીનો પાળો કરવામાં આવી રહ્યો છે પરંતુ બિલ્‍ડર દ્વારા સરોવરમાં પેશકદમી કરવાની હિલચાલ કરવામાં આવતા જે અટકાવવા માટે ખુદ મેયર સહિત મનપાના શાસકોને દોડી જવું પડયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

(1:01 pm IST)