Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જુનાગઢ જેલમાં રાત્રે પોલીસના દરોડાઃ સાડા પાંચ કલાક સરપ્રાઇઝ ચેકીંગ કરાયું

જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની આગેવાનીમાં : એસપીની સાથે ડીવાયએસપી એલસીબી, એસઓજી સહીત વિશાળ કાફલો ખાબકયોઃ એકંદરે કંઇ વાંધાજનક મળ્‍યુ નહીઃ એક માત્ર કેદી પાસેથી ૧પ ગ્રામ તમાકુ હાથ લાગી

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૫:  જુનાગઢ સહીત રાજયભરની જેલમાં ગત રાત્રે પોલીસે દરોડા પાડયા હતા. જુનાગઢ જીલ્લા જેલમાં એસપી સહીત પોલીસ અધિકારીઓ વિશાળ કાફલા ખાબકતા છતા અને ચાર કલાક ચેકીંગ કર્યુ હતું. જેમાં માત્ર એક કેદી પાસેથી ૧પ ગ્રામ તમાકુ મળી આવી હતી. અન્‍ય કઇ વાંધાજનક હાથ લાગ્‍યું ન હતું.

શુક્રવારે મોડી સાંજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આઇપીએસ અધિધારીઓની સાથે હાઇ લેવલની મીટીંગ કરી હતી. બે કલાકની મીટીંગ પુર્ણ થતા જ જુનાગઢ સહીત રાજયભરની જેલમાં સિનીયર આઇપીએસ અધિકારીઓ સહીત વિશાળ કાફલાએ દરોડા પાડયા હતા.

જુનાગઢ જીલ્લા જેલમાં જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટી તેમજ ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યા તથા એસઓજી, એલસીબી, જુનાગઢ એ તથા બી ડીવીઝનના પીઆઇ, સી ડીવીઝન તેમજ ભવનાથ સહીતનાં પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરો, મહિલા પોલીસ સહીતનો પોલીસ કાફલો ખાબકયો હતો.

રાત્રીના  ૯ થી અઢી વાગ્‍યા સુધી સાડા પાંચ કલાક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સતત ચાર કલાક સુધી એટલે કે રાત્રીના એક વાગ્‍યા સુધી જેલની તમામ બેરેક સહીતની જગ્‍યાની ચકાસણી કરવામાં આવી હતી.

પોલીસ દરોડા દરમ્‍યાન કોઇ મોટુ વાંધાજનક મળ્‍યુ ન હતું. પરંતુ કમલેશ ઉર્ફે મચ્‍છર સુરેશભાઇ સોલંકી નામના કેદી પાસેથી રૂા. ૧પ ની કિંમતની ૧પ ગ્રામ છુટી તમાકુ મળી આવી હતી. આથી તેની સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

જુનાગઢ જેલમાં વિશાળ પોલીસ કાફલાએ ઓચિંતા જ દરોડા પાડતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

(12:59 pm IST)