Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

એકતરફી પ્રેમમાં પાગલ કિશને સગી માસીયાઇ બહેન પૂજાને ઝીંકી દીધા છરીના ૧૮ ઘાઃ મરી ગયાનું સમજી ભાગી ગયો

બે વર્ષથી હેરાન કરતો હતોઃ મા વિહોણી પૂજા સતત સહન કરતી હતીઃ ગઇકાલે સાસણથી કિશન છરી સાથે કેશોદ આવ્‍યો, ઘરમાં પૂજા એકલી હોવાની ખાત્રી કરી ઘુસી ગયોઃ ‘તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે' તેમ કહેતાં પૂજાએ ઇન્‍કાર કરતાં તૂટી પડયો : નાની બહેન સાબુ લઇને ઘરે આવી ત્‍યારે બહેનની લોહીથી તરબતર જોઇ હેબતાઇ ગઇઃ પિતાને અને ૧૦૮ને ફોન કર્યોઃ કેશોદ, જુનાગઢ સારવાર બાદ યુવતિને રાજકોટ સિવિલમાં ખસેડાઇઃ કેશોદના પીએસઆઇ પી. કે.ગઢવીએ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો

છરીના અઢાર ઘા ઝીંકાયા પછી બચી ગયેલી પૂજા રાજકોટ સારવાર હેઠળ હોઇ કેશોદના પીએસઆઇ પી. કે. ગઢવી અને ટીમે રાજકોટ આવી તેની ફરિયાદ નોંધી હતી અને મામલતદાર મારફત ડી.ડી. લેવડાવ્‍યું હતું

રાજકોટ તા. ૨૫: એકતરફી પ્રેમમાં પાગલ શખ્‍સો કેટલીક વાર ન કરવાનું કરી બેસતાં હોય છે. કેશોદમાં એક એવી ઘટના બની છે જેમાં અઢાર વર્ષની યુવતિના પ્રેમમાં પાગલ તેના સગા માસીનો દિકરો એવો ભાઇ ગઇકાલે સાંજે સાસણથી કેશોદ આવી તેણી ઉપર છરીથી તૂટી પડયો હતો અને પેટ, છાતી, હાથ, પીઠ, સાથળમાં આડેધડ અઢાર જેટલા ઘા ઝીંકી દીધા હતાં. યુવતિ બેભાન થઇ જતાં તે મરી ગયાનું સમજી તેનો માસીયાઇ ભાઇ ભાગી ગયો હતો. બે વર્ષથી તે પાછળ પડી ગયો હતો અને ધરાર પોતાની સાથે પ્રેમ રાખવા અને લગ્ન કરી લેવાનું કહીને હેરાન કરતો હતો. મા વિહોણી દિકરીએ સતત આ સહન કર્યુ હતું. પણ ગત સાંજે માસીયાઇ ભાઇ ભાન ભુલ્‍યો હતો અને હત્‍યાના ઇરાદે તૂટી પડયો હતો. પરંતુ ચમત્‍કારીક રીતે અઢાર અઢાર ઘા ઝીંકાયા હોવા છતાં યુવતિનો બચાવ થઇ ગયો છે. તેની ફરિયાદ પરથી પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ કેશોદમાં  ગાયત્રી મંદિર સામે રહેતી પૂજા ભરતપુરી ગોસ્‍વામી (ઉ.વ.૧૮)ને મોડી રાતે ગંભીર ઇજાઓ થયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. તબિબની પુછતાછમાં તેણીએ પોતાના પર માસીયાઇ ભાઇ કિશને છરીથી હુમલો કર્યાનું જણાવતાં પોલીસને જાણ કરાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ કેશોદ પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી. કે. ગઢવી, રાઇટર અનિલભાઇ ચાવડા તાબડતોબ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતાં અને ગંભીર રીતે ઘવાયેલી પૂજા ગોસ્‍વામીની ફરિયાદ પરથી તેના સગા માસીયાઇ ભાઇ કિશન નિદેશગીરી મેઘનાથી (રહે. સાસણ ગીર) વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૧૩૫ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો.

પૂજા ચાર બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે છે. તેના માતા હયાત નથી. પિતા ભરતપુરી શ્‍યામપુરી ગોસ્‍વામી ગેસ એજન્‍સીનું કામ કરે છે. પુજાના પિતા સાંજે કામ પર હતાં અને નાની બહેન પૂનમ જે ધોરણ આઠમાં ભણે છે તે સાબુ લેવા નજીકની દૂકાને ગઇ હતી ત્‍યારે સાસણથી આવેલો માસીયાઇ ભાઇ કિશન મેઘનાથી ઘરમાં ઘુસી ગયો હતો. પૂજાના કહેવા મુજબ માસીયાઇ ભાઇએ ઘરમાં આવી કહ્યું હતું કે તું કેમ મારી સાથે બોલતી નથી, તું તારે લગ્ન તો મારી સાથે જ કરવા પડશે તેમ કહેતાં મેં તેને ના પાડતાં તે રોષે ભરાયો હતો અને છરી સાથે જ લાવ્‍યો હોઇ હું વધુ કંઇ સમજુ એ પહેલા તે છરી કાઢી તૂટી પડયો હતો અને મને આડેધડ ઘા મારવા માંડતાં મેં બૂમાબૂમ કરી મુકી હતી. એ પછી હું બેભાન થઇ ગઇ હતી. જેથી હું મરી ગયાનું સમજીને તે ભાગી ગયો હતો.

વધુ માહિતી મુજબ ઘટના બાદ તુરત બહાર દૂકાને સાબુ લેવા ગયેલી પૂજાની નાની બહેન ઘરે પહોંચતા તેણે બહેનને લોહીલુહાણ અને બેભાન જોતાં પિતા ભરતપુરીને ફોન કરી જાણ કરી હતી અને ૧૦૮ પણ બોલાવી હતી. પૂજાને પ્રથમ કેશોદ હોસ્‍પિટલમાં, ત્‍યાંથી જુનાગઢ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ તુરત જ સારવાર મળી જતાં હાલ તે બચી ગઇ છે. પીએસઆઇ પી. કે. ગઢવીના જણાવ્‍યા મુજબ કિશન છેલ્લા બે વર્ષથી પૂજા કે જે તેની સગી માસીયાઇ બહેન થાય છે તેના એકતરફી પ્રેમમાં હતો અને ધરાર લગ્ન કરવાનું કહેતો હતો. ગત સાંજે પણ તે સાસણથી કેશોદ આવ્‍યો હતો અને પૂજા ઘરમાં એકલી છે તેની ખાત્રી કર્યા બાદ ઘુસી ગયો હતો. પૂજા જો લગ્નની ના કહે તો હુમલો કરવો તેવી તૈયારી સાથે જ આવ્‍યો હોય તેમ પૂજાએ લગ્નની ના પાડતાં તેને શરીર પર છરીના અઢારેક ઘા ઝીંકી દીધા હતાં. પૂજા બેભાન થઇ જતાં તે મરી ગયાનું સમજી ભાગી ગયો હતો. તેને ઝડપી લેવા તપાસ શરૂ થઇ છે.

 

(12:42 pm IST)