Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વડિયાના ભૂખલી સાંથલી ગામે ભૂ માફિયાઓ પર તવાઇ એક ડઝન વાહનો કબ્‍જે

દસ ટ્રેકટર અને બે જેસીબી સાથે ખનીજ ચોરી કરતા વાહનો ડિટેઇન

વડિયા,તા. ૨૫ : અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા સમય થઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને ખનીજ ચોરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્‍યારે વડિયાના મામલતદાર ભૂખલી સાંથલીમાં રણુજા રોડ પર આવેલી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળતાસ્‍થળ પર રેડ કરતા દસ જેટલાં ટ્રેક્‍ટર અને બે જીસીબી વડે તે જગ્‍યાની માટી ઉપાડવાની મંજૂરી વગર ત્‍યાંથી માટી ઉપાડવાનું ચાલુ હોય તેને રંગે હાથ ઝડપીને તમામ વાહનોને વડિયા પોલીસના હવાલે કરી ડિટેઇન કરવામાં આવ્‍યા હતા જયારે અમરેલી જિલ્લાના ખાણ ખનીજ વિભાગને આ બાબતની જાણ કરી આગળની વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ભૂખલી સાંથલીના રણુજા રોડ પર જયાંથી આ તમામ ટ્રેક્‍ટર અને જેસીબી પકડવામાં આવ્‍યા છે એ ગૌચરની જમીનમાંથી માટી ઉપડતા તેના પર કાર્યવાહી કર્યાનું મામલતદાર મેહતાએ જણાવ્‍યું હતું.તો માટી ચોરી કરતા અમરેલી અને રાજકોટ જિલ્લાના ટ્રેક્‍ટરના માલિકો દ્વારા પોતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી ઉપાડતા હોવાનો પોતાનો બચાવ કરતી રજુવાત કરતા જોવા મળ્‍યા હતા.હાલ વડિયા મામલતદાર મહેતા દ્વારા ભૂ માફિયાઓ સામે લાલ આંખ કરતા ભૂ માફિયાઓમાં ફફડાટ વ્‍યાપ્‍યો હતો તો પોલીસ સ્‍ટેશન સામે ડિટેઇન કરેલા ટ્રેક્‍ટર અને જેસીબીની લાઈનો લગતી જોવા મળી હતી.

(12:04 pm IST)