Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કાલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી લાઠીમાં

લાઠીના લુવારીયા ચોકડી ખાતે ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થશે : રાજ્‍ય સરકાર તથા ધોળકિયા ફાઉન્‍ડેશન દ્વારા ગાગડિયો નદી પર નવા ચેકડેમના નિર્માણ અને રિપેરીંગ સહિતના કામો ૫૦-૫૦ ટકાની લોકભાગીદારીથી કરવામાં આવશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૫ : રાજય સરકાર દ્વારા જળસિંચન માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં લોક ભાગીદારીથી થઈ રહેલા જળસિંચનમાં લાઠી તાલુકામાં ઉત્‍કૃષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે ત્‍યારે રાજય સરકાર સાથે લોક ભાગીદારીથી, હરિકૃષ્‍ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્‍ડેશનના સંયુક્‍ત ઉપક્રમે વધુ એક ચેકડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લાઠી તાલુકામાં ગાગડિયો નદી પર લુવારિયા ચોકડી પાસેના ચેકડેમ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્‍દની ગરિમામય ઉપસ્‍થિતિમાં કાલે રવિવારે ચેકડેમનું ખાત મુહૂર્ત અને ભૂમિ પૂજન યોજાશે. આ ચેકડેમના નિર્માણથી આસાપાસના અનેક ગામોના જળસ્‍તર ઉંચા આવશે. ચેકડેમના ખાત મુહૂર્ત ઉપરાંત પદ્મ પુરસ્‍કૃત મહાનુભાવોનું સંમેલન પણ યોજાશે. જળસિંચનના આ  કામો માટે રાજય સરકાર અને ધોળકિયા ફાઉન્‍ડેશન વચ્‍ચે ગાગડિયો નદી પર ચેકડેમના નિર્માણ અને રિપેરીંગ સહિતના કામો માટે થયેલ એમ.ઓ.યુ. અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે. લોકભાગીદારીથી જળસિંચનના કામ માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે, ત્‍યારે લાઠી તાલુકામાં લુવારીયા ચોકડી ખાતે નિર્માણ પામનારા આ ચેકડેમથી પાણીની સંગ્રહ ક્ષમતા અને પાણીના તળ ઉંચા આવે તેવો પ્રયાસ કરવામાં આવશે.  કુલ મળીને ગાગડિયો નદીને ઉંડી ઉતારી, અને પહોળી કરી અને જરૂરિયાત મુજબના ચેકડેમ બનાવવા માટે તેમજ મરામત માટે સરકારશ્રી દ્વારા આ કામો માટે રૂ.૨,૦૦૦ લાખના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર કાર્યનો ખર્ચ લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્‍ડેશન અને રાજય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦ લાખના ખર્ચે ૫૦-૫૦ ટકાની લોકભાગીદારીથી કરવામાં આવશે.

 ગાગડિયો નદીની દેવળીયા હરસુરપુરથી લઈને ક્રાંકચ સુધીની લંબાઈ આશરે ૪૫ કિલોમીટર છે.  જેમાંથી સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૮-૨૦૨૨ દરમિયાન કુલ ૧૭ કિ.મી. ગાગડીયો નદીને હરસુરપુરથી દેવળિયાથી અકાળા સુધી સાફ કરી, ઉંડી કરી અને પહોળી કરવામાં આવી છે.  બાકી રહેતા ૨૮ કિ.મી.ના વિસ્‍તારમાં આ સમજૂતી મુજબ જરૂરિયાત મુજબના નવા ચેકડેમ, જૂના ચેકડેમનું રીપેરીંગ અને ગાગડિયો નદીને ઉંડી કરી અને તેનું સાફ સફાઈનું કામ કરવા માટેનું આયોજન છે.

જિલ્લાના લાઠી તાલુકામાં ગાગડિયો નદી પર લુવારિયા ચોકડી પાસેના ચેકડેમ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્‍દની ગરિમામય ઉપસ્‍થિતિમાં ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન યોજાશે. યોજાનારા આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓની એક બેઠક યોજવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્‍ટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમના પ્રોટોકોલ સહિતની જરુરી વ્‍યવસ્‍થા માટે લાયઝન અધિકારીશ્રીની નિમણુક તેમજ સુરક્ષા સહિતની વિગતોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. જયારે પ્રાંત કચેરી લાઠી ખાતે પ્રાંત અધિકારી શ્રી ટાંકના અધ્‍યક્ષ સ્‍થાને કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી દ્વારા પ્રાંત સ્‍તરે કાર્યક્રમની સમીક્ષા કરી વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

(12:01 pm IST)