Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

છેલા એક વર્ષથી લટકતો વેરાનો પ્રશ્‍નઃ જસદણ પાલિકાએ વઘારેલ વેરો મોકૂફ રાખવા થયેલ ઠરાવનો અમલ કરવા લોક માગણી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨૫: જસદણ નગરપાલિકા દ્વારા ગત વર્ષે વેરામાં તોતીંગ વધારો કર્યા બાદ આ વેરા વધારાનો અમલ મોકૂફ રાખવા સામાન્‍ય સભામાં સર્વાનુમતે ઠરાવ થયા બાદ પણ હજુ સુધી તેનો અમલ નહિ થતા અને વધારેલા વેરા મુજબ જ વેરા વસૂલાત ચાલી રહી હોય વેરો ઘટાડવા જસદણનાં પ્રજાજનોમાંથી માંગણી ઉઠવા પામી છે.

જસદણ નગરપાલિકા દ્વારા એપ્રિલ ૨૦૨૨ થી તૈયાર કરવામાં આવેલા વેરાના બિલમાં મિલકત વેરાના ૭૦ ટકા જેટલો નવો દિવાબત્તી ટેક્ષ  તેમજ મિલકત વેરાના ૭૦ ટકા જેટલો નવો સફાઈ ટેક્ષ ઝીંકવામાં આવ્‍યો હતો એટલે કે જુના ટેક્ષની સરખામણીએ ટેક્ષમાં ૧૪૦ ટકાનો  તોતિંગ વધારો કરવામાં આવ્‍યો હતો. જેમને જુના વેરા મુજબ દશ હજારનું કુલ વેરા બિલ આવતું હતું તેમનું નવા વધારે વેરા મુજબ સીધું જ ૨૪,૦૦૦ જેટલું વેરા બિલ આવા લાગ્‍યું હતું. આમ ટેક્ષમાં તોતિંગ વધારો થવાથી જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ મોટી સંખ્‍યામાં નાગરિકો, વેપારીઓ, આગેવાનો તા.૧૯ એપ્રિલ ૨૦૨૨નાં રોજ જસદણ નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને ઉગ્રતાથી લેખિત અને મૌખિક રજૂઆત કરી વેરા વધારાનો અમલ મોકૂફ રાખવાની માંગણી કરી હતી. ત્‍યાર બાદ જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા બોર્ડને આ માંગણી યોગ્‍ય લગતા જસદણ નગરપાલિકાની તારીખ ૧૮-૦૫-૨૦૨૨ નાં રોજ નગરપાલિકાનાં સભા હોલ ખાતે મળેલી સામાન્‍ય સભામાં ઠરાવ ક્રમાંક નંબર ૪૦ થી વેરા વધારાનો અમલ મોકૂફ રાખવો તેવો લેખિત ઠરાવ ભાજપ તેમજ કોંગ્રેસના તમામ સભ્‍યોએ સર્વનુંમતે કર્યો હતો. આ ઠરાવ કરીને પ્રાદેશિક નગરપાલીકા નિયામકને મોકલી આપવામાં આવ્‍યો હતો.  આ ઠરાવ બાદ પણ નગરપાલિકા દ્વારા નવા વઘારેલા વેરા મુજબ જ વેરા વસુલાત ચાલુ રાખતા જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ પીઢ અગ્રણી અશોકભાઈ મહેતા, ચેમ્‍બર ઓફ કોમર્સનાં  પ્રમુખ અશોકભાઈ ધાધલ,  જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, ભરતભાઈ ધારૈયા, જયુભાઈ બોરીચા,  નિલેશભાઈ રાઠોડ સહિતના મોટી સંખ્‍યામાં આગેવાનોએ તા. ૧૦-૦૧-૨૦૨૩ નાં રોજ ગાંધીનગર સચિવાલય ખાતે જસદણનાં ધારાસભ્‍ય અને  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ મળીને આ બાબતે રજૂઆત કરી હતી. જસદણ શહેરનાં વેરા ઘટાડાની માંગણીનું પ્રકરણ છેલ્લા એક વર્ષથી લટકતું હોવાથી જસદણ શહેરના વેરાના આ પ્રશ્‍નનો ઉકેલ નહી આવ્‍યો હોવાથી નિયમિત વેરો ભરનારા અનેક લોકોએ વેરો ઘટવાની આશાએ વેરો ભર્યો નથી. આગામી દસ દિવસ પછી વેરા વસુલાત માટેનું બીજું વર્ષ  શરૂ થાય તે પહેલાં જસદણ પાલિકા દ્વારા વહેલી તકે વેરા પ્રકરણનો ઉકેલ લાવે તેવી જસદણના નાગરિકોની માગણી છે. બીજી બાજુ જસદણ નગરપાલિકામાં ચૂંટાયેલા  બોર્ડની મુદત પૂર્ણ થઈ ગઈ હોઇ હાલ વહીવટદારનું  શાસન છે. થોડા સમય પછી આવનારી જસદણ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી પહેલા આ પ્રશ્‍નનો ઉકેલ આવે તે જરૂરી છે.

(11:57 am IST)