Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મુંબઈમાં માનસિક દિવ્‍યાંગ કચ્‍છી પ્રૌઢનો પડોશીઓ ઉપર છરી વડે ખૂની હુમલોઃ પતિ પત્‍નીના મોતઃ પાંચ ઘાયલ

હત્‍યા કરનાર ચેતન રતનશી ગાલા મૂળ કચ્‍છના સામખિયાળી ગામનો રહેવાસીઃ મરણાંક વધવાની આશંકાઃ ડી.બી. માર્ગ પોલીસે આરોપીને ઝડપી લીધોઃ ચેતન ગાલા માનસિક રીતે અસ્‍થિર હોવાનું અને પડોશીઓએ કરેલી મજાક-મશ્‍કરીથી ઉશ્‍કેરાઈને તેણે હુમલો કર્યો હોવાનુ પ્રાથમિક ધારણ

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫: મુંબઈના ગ્રાન્‍ટ રોડ વિસ્‍તારમાં માનસિક દિવ્‍યાંગ પ્રૌઢ ચેતન ગાલાએ પડોશીઓ ઉપર છરી વડે હુમલો કરતાં દંપતીનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે ૫ ઘાયલ થયા છે. પાર્વતી મેન્‍સન નામની રહેણાંક ઈમારતમાં આ બનાવ બન્‍યો હતો. ૫૪ વર્ષિય ચેતન ગાલા નામના આધેડે છરા વડે અચાનક અડોશપડોશના લોકો પર જીવલેણ હુમલા કરવાનું શરૂ કર્યું હતું.

જેમાં દંપતી જયેન્‍દ્ર મિષાી અને તેમના પત્‍ની નીલા મિષાી એ બેઉના મોત નીપજ્‍યા હતા. આ ઉપરાંત બહા૨ લોબીમાં સૂઈ રહેલાં ઘરઘાટી પ્રકાશ વાઘમારે તેમજ અન્‍ય પાડોશી તોહલ બ્રહ્મભટ્ટ અને તેમની પુત્રી જેની પર પણ ચેતને જીવલેણ હુમલો કર્યો હતો.

જાહેર માર્ગ પર આવેલી ઈમારતમાં ખુલ્લેઆમ ખેલાઈ રહેલાં ખૂની હુમલાના પગલે માર્ગ પર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતા.

દરમિયાન, મરણાંક વધવાની આશંકા છે. ડી.બી. માર્ગ પોલીસે ઘટનાસ્‍થળે દોડી જઈ આરોપીની અટક કરી લીધી છે. ચેતન ગાલા માનસિક રીતે અસ્‍થિર હોવાનું અને પડોશીઓએ કરેલી મજાક-મશ્‍કરીથી ઉશ્‍કેરાઈને તેણે હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. ચેતન કચ્‍છના સામખિયાળીનો વતની હોવાનું જાણવા મળ્‍યું છે.

(10:42 am IST)