Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગુજરાતમાં સ્‍ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં ૧૬૦% નો ઉછાળો

વાણિજ્‍ય અને ઉદ્યોગ રાજ્‍યમંત્રીનો રાજ્‍યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીને પ્રત્‍યુત્તર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્‍ટાર્ટઅપ્‍સની નોંધણીમાં ૧૬૦%નો ઉછાળો જોવા મળ્‍યો છે. રાજ્‍યમાં  વર્ષ ૨૦૨૦માં ૮૭૩ કંપનીઓને સ્‍ટાર્ટઅપ તરીકે માન્‍યતા પ્રાપ્ત હતી, જે સંખ્‍યા વર્ષ ૨૦૨૨માં ૨,૨૭૬ કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્‍ટ્રીય સ્‍તરે, ડિપાર્ટમેન્‍ટ ફોર પ્રમોશન ઑફ ઈન્‍ડસ્‍ટ્રી એન્‍ડ ઈન્‍ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્‍ટાર્ટઅપ્‍સ તરીકે માન્‍યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્‍યા ૨૦૨૦ માં ૧૪,૪૯૮ થી વધીને ૮૩% નો વધારા સાથે ૨૦૨૨ માં ૨૬,૫૪૨ થઈ. વાણિજ્‍ય અને ઉદ્યોગ રાજ્‍યમંત્રી શ્રી સોમ પ્રકાશે રાજ્‍યસભામાં ૨૪ માર્ચ, ૨૦૨૩ ના રોજ સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્‍નોના જવાબમાં આ માહિતી ઉપલબ્‍ધ બનાવી હતી.

ગળહમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્‍યમાં DPIIT દ્વારા સ્‍ટાર્ટઅપ તરીકે માન્‍યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્‍યા ૨૦૨૦ માં ૮૭૩, ૨૦૨૧ માં ૧,૭૦૩ અને ૨૦૨૨ માં ૨,૨૭૬ હતી, જ્‍યારે ગુજરાતમાંથી ૫૯૨ કંપનીઓને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સ્‍ટાર્ટઅપ તરીકે માન્‍યતા આપવામાં આવી છે - એટલે કે સ્‍ટાર્ટઅપ્‍સ તરીકે માન્‍યતા પ્રાપ્ત કંપનીઓની કુલ સંખ્‍યા ૫,૪૪૪ કંપનીઓ સુધી પહોંચી છે. રાષ્‍ટ્રીય સ્‍તરે, DPIIT દ્વારા માન્‍યતા પ્રાપ્ત સ્‍ટાર્ટઅપ્‍સની સંખ્‍યાના સંદર્ભમાં ગુજરાત તમામ રાજ્‍યોમાં પાંચમા ક્રમે છે.

૨૦૧૬માં સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા પહેલ શરૂ થઈ ત્‍યારથી, ડીપીઆઈઆઈટીએ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૯૨,૬૮૩ એકમોને સ્‍ટાર્ટઅપ તરીકે માન્‍યતા આપી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં (૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨) અને વર્તમાન વર્ષમાં (૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ), કુલ ૬૭,૨૨૨ કંપનીઓને DPIIT દ્વારા સ્‍ટાર્ટઅપ તરીકે માન્‍યતા આપવામાં આવી છે, મંત્રીશ્રીના નિવેદન અનુસાર. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, સેક્‍ટર મુજબ, IT સર્વિસીમાં સૌથી વધુ ૭,૫૮૭ સ્‍ટાર્ટઅપ્‍સ નોંધાયા છે, ત્‍યારબાદના ક્રમે ૬,૪૫૯ સાથે હેલ્‍થકેર અને લાઇફસાયન્‍સ અને ૪,૧૬૪ સ્‍ટાર્ટઅપ્‍સ નોંધણી સાથે શિક્ષણ આવે છે.

શ્રી નથવાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં અને ચાલુ વર્ષમાં દેશમાં નોંધાયેલા સ્‍ટાર્ટ-અપ્‍સની સંખ્‍યા, તે જ સમયગાળા દરમિયાન યુનિકોર્ન બનેલા સ્‍ટાર્ટ-અપ્‍સની સંખ્‍યા અને દેશમાં સ્‍ટાર્ટ-અપ કલ્‍ચરને -ોત્‍સાહન આપવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી ઉપલબ્‍ધ બનાવવા વિનંતી કરી હતી.

નિવેદન મુજબ, સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા પહેલ હેઠળ, સરકાર દેશમાં સ્‍ટાર્ટઅપ ઈકોસિસ્‍ટમના વિકાસ અને વળદ્ધિ માટે સતત વિવિધ પ્રયાસો હાથ ધરે છે. વધુમાં ઉમેર્યું હતું કે, ફ્‌લેગશિપ સ્‍કીમ્‍સ જેમ કે, ફંડ ઓફ ફંડ્‍સ ફોર સ્‍ટાર્ટઅપ્‍સ (FFS), સ્‍ટાર્ટઅપ ઇન્‍ડિયા સીડ ફંડ સ્‍કીમ (SISFS) અને ક્રેડિટ ગેરંટી સ્‍કીમ ફોર સ્‍ટાર્ટઅપ્‍સ (CGSS) સ્‍ટાર્ટઅપ્‍સને તેમની બિઝનેસ સાઇકલના વિવિધ તબક્કામાં સપોર્ટ કરીને એક એવા સ્‍તર સુધી પહોંચવામાં મદદ કરે છે જ્‍યાં તેઓ એન્‍જલ ઇન્‍વેસ્‍ટર્સ અથવા વેન્‍ચર કેપિટાલિસ્‍ટ્‍સ પાસેથી ભંડોળ ઊભું કરી શકે અથવા કમર્શિયલ બેંક અથવા નાણાકીય સંસ્‍થાઓ પાસેથી લોન મેળવવા માટે સક્ષમ બને.

(12:34 pm IST)