Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

દુઃખદ : મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવકનું ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન મોત.

રાજકોટ અને સુરત બાદ મોરબીમાં મેચ દરમિયાન અથવા તો ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેકથી મોત

મોરબી :ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ક્રિકેટ રમતા ખેલાડીઓનું મેચ દરમિયાન અથવા તો ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન  હાર્ટ અટેકથી મોત થવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ અને સુરત બાદ મોરબીમાં પણ આવી ઘટના સામે આવી છે.જ્યાં મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા એ સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. ઘટનાને પગલે તાજેતરમાં યોજાનાર આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા ક્રિકેટ ટીમના ખેલાડી મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારી અને હળવદ તાલુકામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કણઝારીયા લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા. પ્રેક્ટિસ દરમિયાન તેમણે મિત્રોને જણાવ્યુ હતું કે તેમની તબિયત નાદુરસ્ત છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો હતો. સત્વરે તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.
આ દુ:ખદ બનાવને પગલે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આગામી તારીખ ૨૬ થી તારીખ ૩૧ ના રોજ યોજાનાર સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી અને ટુર્નામેન્ટ હવે પછી સંભવિત તારીખ ૧૦/૦૪/૨૦૨૩ થી તારીખ  ૧૫/૦૪/૨૦૨૩ દરમ્યાન યોજવાનું એક પરિપત્રના માધ્યમથી જણાવ્યુ હતું.
આ સમયગાળા દરમ્યાન તેમણે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને અપીલ કરી હતી કે તેમના હસ્તકની ટીમમાં સામેલ કર્મચારીઓના આરોગ્ય જોખમાઈ નહી તે માટે જરૂરી પરીક્ષણ અને લેબટેસ્ટ કરાવવામાં આવે તથા ત્યારબાદ જ આગામી ટુર્નામેન્ટમાં સ્વસ્થ ખેલાડીઓ ભયમુક્ત મનથી ભાગ લઈ શકે તેવું જણાવ્યુ હતું.
છેલ્લા 40 દિવસમાં રાજકોટમાં કુલ સાત જેટલા યુવાનોના ક્રિકેટ રમતા હતા એ સમયે હૃદય બેસી જવાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. આમ 24 થી 45 વર્ષની વયના યુવાનોએ હૃદય રોગના કારણે જીવ ગુમાવ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે

(11:07 pm IST)