Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જુનાગઢ પંથકમાં સતત માવઠાને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકશાન થવાની ભીંતી

ભારે પવન અને કમોસમી વરસાદે અનેક આંબાઓ પર લટકી રહેલી શાખડીઓને પાડી દીધી

જૂનાગઢ : છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર પંથકમાં અરબી સમુદ્રમાં સતત સર્જાઈ રહેલા લૉ પ્રેશરને કારણે માવઠાંનો સિલસિલો ચાલુ જ છે. ખાસ તો કેસર કેરીમાં શાખડીઓ તૈયાર થઈ રહી હતી અને તેના પર ભારે પવન અને કમોસમી વરસાદે અનેક આંબાઓ પર લટકી રહેલી શાખડીઓને પાડી દીધી છે.

જુનાગઢ વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે આ કમોસમી વરસાદ કેસર કેરીની ઉપજ પર વ્યાપક અસર કરશે. સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનામાં આવે છે. એપ્રિલથી મે મહિના સુધીમાં સૌરાષ્ટ્રની કેસર કેરી બજારમાં જોવા મળે છે. એ પછી મે મહિનાના અંતમાં કચ્છી કેસર પણ બજારમાં આવી જાય છે.

કેસર કેરીને પાકવા માટે ગરમીની જરૂર હોય છે. વરસાદને કારણે કેરીના પાકમાં જીવાતો પડવાને કારણે તે ખરી પડે છે. આ વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી ઉપરા છાપરી વરસાદ પડવાને કારણે જુનાગઢ, વંથલી પંથક વિશેષ પ્રભાવિત છે. આગામી દિવસોમાં જો હજુ વરસાદની અસર લંબાશે તો વધુ નુકસાન થવાની ભીંતી છે.

આજે સવારે પણ જુનાગઢ જિલ્લામાં વરસાદનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ગીર સોમનાથ પંથકમાં પણ માવઠાં થયા હોવાથી ત્યાં પણ તાલાળા વિસ્તારના ખેડૂતો પણ વરસાદથી પ્રભાવિત થયા છે.

(9:28 pm IST)