Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અંગદાન દ્વારા અન્યને જીવનદાન: કચ્છમાં અંગદાન જાગૃતિ માટે સંકલ્પ અભિયાન

ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી બાબુભાઈ ભીમાભાઇ હુંબલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અંગદાન જાગૃતિના પ્રેરક દિલીપભાઈ દેશમુખે અંગદાનનું મહત્વ સમજાવ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૨૪ :  કચ્છમાં સામાજિક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઇ હુંબલ દ્વારા અંગદાન માટેની જાગૃતિ આણવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ૧૫૦૦ જેટલા લોકોને સંબોધન કરતાં જાણીતા સામાજિક આગેવાન અને અંગદાન જાગૃતિ માટેની અહાલેખ જગાડનાર દિલીપ દેશમુખે અંગદાનને માનવસેવા ગણાવતાં જણાવ્યું હતું કે, માન્યતા કરતાં માનવતા મોટું કાર્ય છે. ભારતમાં પાંચ લાખ લોકો અંગદાનની પ્રતિક્ષામાં છે. અમેરિકા, યુકે, સ્વીડનમાં મિલીયન દીઠ ૪૦ના દર સામે ભારતમાં માત્ર ૦.૮ ટકા દર છે. અકસ્માત કે બ્રેઈન ડેડ જેવા કિસ્સાઓમાં અંગદાન થઈ શકે છે. અંગદાન કરનાર યક્તિના કિડની, ફેફસા, લીવર, હૃદય જેવા અંગોનું જરૂરતમંદના શરીરમાં પ્રત્યારોપણ કરી શકાય છે. અંગદાન બીજા માટે જીવનદાન બને છે અને આમ એક વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંગો બીજા પાંચ વ્યક્તિના શરીરમાં જીવંત રહે છે. આહીર કન્યા
છાત્રાલયના પ્રેરક અને સ્થાપક, પ્રમુખ બાબુભાઇ ભીમાભાઈ હુંબલે અહીં બોર્ડિંગ માં રહી અભ્યાસ કરતી ૪૦૦ જેટલી છાત્રાઓ તેમજ તેમના વાલીઓ અને ઉપસ્થિત રહેલા આમંત્રિતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અંગદાન માટે જાગૃતિ આણવાનો આ પ્રયાસ છે. બધા અંગદાન કરી શકતા નથી. અમુક સંજોગોમાં જ અંગદાન થઈ શકે છે. પરંતુ અંગદાન થકી અન્યને નવજીવન આપવાના માનવીય અભિગમને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે. સંકલ્પ પત્ર તમારી ઇચ્છા હોય તો જ, વાલીની સંમતિ હોય તો જ ભરવું, ડરતા નહીં, માત્ર જાગૃતિ માટે માહિતી અપાઈ છે. મૃત્યુ થઇ જાય પછી અંગ કામ ન આવે. કચ્છમાં આખનું દાન થાય છે. તે જ રીતે અંગદાન માટે જાગૃતિ આવે એ જરૂરી છે.
સંસ્થાના મંત્રી શિવજીભાઇ આહીરે અંગદાન એ માણસ માણસને ઉપયોગી બને તેવી ગંગાના પ્રવાહ જેવી સેવા હોવાનું જણાવી આહીર સમાજને વધુને વધુ અંગદાન થાય તે માટે અપીલ કરી હતી.  ઉપપ્રમુખ રાણાભાઇ રવાભાઇ ડાંગર (ધાણેટી), ટ્રસ્ટી રણછોડભાઇ ગોપાલ ડાંગર (નાડાપા), મહિલા પ્રતિનિધિ પીવીસી ડાયેટના પૂર્વ સિનિયર લેક્ચ૨૨ સોરઠિયા, અગ્રણીઓ હમીરભાઇ ડાંગર, જીવાભાઇ આહીર, બાબુભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિન્સિપાલ ડો. જયાબેન મહેરિયાએ સંસ્થા અને અંગદાન વિશે જણાવ્યું હતું. પૂર્વ છાત્રા ગાયિકા ચંદ્રિકાબેન આહીરે ગીત રજૂ કર્યું હતું. છાત્રાઓએ ગણેશ વંદના અને રાસની રમઝટ જમાવી હતી. સંચાલન છાત્રા લક્ષ્મીબેને અને આભારવિધિ શિક્ષિકા મનીષાબેન જોષી (વ્યાસ)એ કરી હતી.

(10:02 am IST)