Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ફિલ્મી સ્ટાઈલે રિવોલ્વર લટકાવી ફરતા બે જબ્બે

ભાવનગરના સિહોર ખાતેની ચર્ચાસ્પદ ઘટના : પોલીસે બાતમીના આધારે રેડ કરતા યુવકો પાસેથી ૩ તમંચા અને ૨ રીવોલ્વર તેમજ ૭ જીવતા કાર્ટીઝ મળ્યા

ભાવનગર,તા.૨૪ :  શહેરના સિહોર ખાતે રિવોલ્વર હાથમાં લઇને ફોટો સેશન કરાવવાનું ૨ યુવકોને ભારે પડી ગયું છે. આ યુવકો જે રિવોલ્વર સાથે ફોટા પડાવતા હતા તે હથિયાર ગેરકાયદેસર હૉવાનું બહાર આવતાં પોલીસે બાતમીના આધારે રેડ કરતા આ યુવકો પાસેથી ૩ તમંચા અને ૨ રીવોલ્વર તેમજ ૭ જીવતા કાર્ટીઝ પોલીસને મળી આવતા પોલીસે આ હથિયારો કયાંથી લવાયા અને શું ઇરાદે લવાયા તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો આ બંન્ને યુવકોને લોકઅપમાં હવા ખાતા કરી દીધા છે.  સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા તાલુકાના સુરકાના ડેલા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેને લઈને પોલીસને એક મોટી સફળતા મળી છે.

ઘાતક હથિયારો વડે બંને યુવકો કોઈ મોટી ઘટનાને અંજામ આપે અથવા તો આ હથિયારો અન્ય કોઈને વહેંચે તે પહેલા જ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. સુરકાના ડેલા પાસે લાલ કલરના હીરો ગ્લેમર મોટર સાયકલ પર બે યુવકો પોતાના પેન્ટના નેફામાં પીસ્ટલ રાખી જી.આઇ.ડી.સી. તરફ જાય છે, તેવી બાતમી પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે સિહોર પોલીસ વોચમા હતી. દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલા ભગીરથ અરવિંદભાઇ મકવાણા નામના યુવકની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી બે દેશી તમંચા તથા ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. આ ઉપરાંત સાથેના યુવાન મોસીન ઉર્ફે મોચો યુસુફભાઇ લાખાણીના પેન્ટના નેફામાંથી એક દેશી તમંચો તથા બે પીસ્ટલ તથા ચાર જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા.

પોલીસે આ તમામ હથિયારો કબ્જે લઈને આગળની તાપસ હાથ ધરી છે. શિહોર પોલીસે ત્રણ દેશી તમંચા તથા બે પીસ્ટલ તથા સાત જીવતા કાર્ટીસ તથા એક બાઈક મળી કુલ રૂપિયા ૭૧૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાના એવા સિહોર ગામમાં આ પ્રકારના હથિયારો લઇને ફરનારા આ બે શખ્સો કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે પછી જી આઈ ડી સી વિસ્તારમાં રહેતા કોઈ પરપ્રાંતીય લોકોને હથિયાર આપવાના હતા તે તમામ બાબત હાલ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

(9:05 pm IST)