Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અમને ન્યાય આપો...ની માંગ સાથે ધોરાજીનું વેગડી ગામ બંધ

પાક નિષ્ફળ જતા ખેડૂતના આપઘાતની ઘટના બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે આક્રોશ

ધોરાજી : વેગડી ગામે 'અમને ન્યાય આપો'ની માંગ સાથે ગ્રામજનોએ ગામ રોષભેર બંધ રાખીને આક્રોશ ઠાલવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : કિશોર રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(ધર્મેન્દ્ર બાબરીયા - કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૪ : ધોરાજીના વેગડી ગામે પ્રદૂષણથી ખેતીના પાકમાં નુકસાન થતાં એક ખેડૂતે આપઘાત કરતા તેના ઘેરા પડઘા પડયા છે ત્યારે આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે આક્રોશ વ્યકત કરીને ગામ સજ્જડ બંધ છે અને ગામના અગ્રણી સરપંચ પુનાભાઇ વકાતરે આક્રોશ ઠાલવ્યો હતો.

તાલુકાના વેગડી ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં પ્રદૂષણથી ખેત પેદાશોમા નુકશાન જતું હોવાની રાવ ઉઠી છે. તેમજ તાજેતરમાં પ્રદૂષણને કારણે ઊભો પાક ફેલ જતા ખેડુત એ આપઘાત કરી લેતાં ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. જે ઘટનાને લઈને ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદ વોરા વેગડી મૃતક ખેડૂતના ઘેર દોડી ગયા હતા.

ધોરાજી તાલુકાના વાવડી ગામના ખેડૂતોના આપઘાતના ઘેરા પડઘા પડયા છે ત્યારે રાજકોટ ભારતીય કિસાન સંઘના દિલીપભાઈ સખીયા અને તેની ટીમ સાથે રેગડી ગામ ખાતે ખેડૂતોની વ્યથા સાંભળવામાં આવી રહ્યા છે અને સાથે સાથે સમસ્ત ગ્રામજનો સાથે ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કિસાન નેતા દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે આજે આખા ગામ બંધ રાખવાનું એલાન કરેલ છે.ખેડુતોની વ્યથા રાજય સરકાર સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હશે.

ધોરાજી નજીક આવેલ વેગડી ગામે ખેતી કરતા ખેડૂત એવા ભનુભાઇ મેરામભાઇ જોરીયા નામના ખેડૂતો પોતાની વાડીએ કપાસનું વાવેતર નિષ્ફળ જતા ખેડૂતે કપાસને ઉખાડી નાખી ત્યાં અન્ય વાવેતર કરેલ અને રાત્રે પાણી વાળવા ગયેલ બાદમાં સવારે ખેડૂત ન આવતા શોધખોળ કરતા વાડીએ ઝાડ પર ખેડૂતની લાશ મળી આવી હતી.

ગ્રામજનોએ જણાવેલ કે પ્રદૂષણના લીધે કપાસનો પાક નિષ્ફળ ગયેલ બાદમાં આજે સમસ્ત ગ્રામજનો દ્વારા વેગડી ગામ બંધનું એલાન આપી આખુ ગામ ગેઇટ પાસે એકઠું થઇને બેનરો સાથે ખેડૂતને ન્યાય આપવા ધરણા પર બેસી ગયેલ.

આ અંગે ધોરાજીના પીઆઇ જાડેજા, પીએસઆઇ ગાંગડા અને આજુબાજુના પોલીસ અને મામલતદાર કિશોરભાઇ ઘટના સ્થળે દોડી આવેલ છે.

(1:13 pm IST)