Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રાજકોટ જિલ્લા સહિત પાંચ જિલ્લાઓમાં PI અને PSI કક્ષાના નવા ૧૯ પોલીસ મથકો મંજુર : પ્રદિપસિંહ જાડેજા

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : પોલીસ મથકો અને આઉટ પોસ્ટ અપગ્રેડેશન માટે ૪૭.૧૮ કરોડના ખર્ચે ૧૪૦૧ જગ્યાઓ મંજુર : પશ્ચિમ કચ્છના માધાપર પોલીસ મથકના ઇ-શુભારંભ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીની જાહેરાત : રાજકોટ, ઉદ્યોગનગર, જેતપુર, ધોરાજી અને ગોંડલમાં નવા પોલીસ મથકો મંજુર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : પશ્ચિમ કચ્છના નવરચિત માધાપર પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઇ-શુભારંભ કરાવ્યો હતો. હાલ ૨૬ ગામોના સમાવેશ સાથેના આ પોલીસ સ્ટેશનમાં પ્રથમ પી.આઇ. શ્રીમતી જશોદાબેન લેઉવા સહિત કુલ ૫૮ અધિકારી-કર્મચારીઓના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશનનો ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની ડિજિટલ ઉપસ્થિતી તેમજ રાજયમંત્રી વાસણભાઇ આહીરની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રાજકોટ જિલ્લા સહિત પાંચ જિલ્લામાં પી.આઇ. અને પી.એસ.આઇ. કક્ષાના નવા ૧૯ પોલીસ મથકો મંજુર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, ઉદ્યોગનગર, જેતપુર, ધોરાજી અને ગોંડલનો સમાવેશ થાય છે.

ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને વધુ સુરક્ષિત કરવા માટે અને કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સઘન બને તે માટે રાજયના પોલીસ તંત્રમાં ઉત્ત્।રોત્ત્।ર વધારો કરીને નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજયના પાંચ જિલ્લાઓમાં PI/ PSI કક્ષાના ૧૯ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ, પારડી અને ડુંગરા, નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ સ્ટેશનને તથા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પો.સ્ટે અને અમીરગઢ પો.સ્ટે ને PSI કક્ષામાંથી અપગ્રેડ કરી PI કક્ષાના પોલીસ સ્ટેશનો બનાવાશે તેમજ સુરત ખાતે ઉમરા, કોસંબા-નેશનલ હાઇવે અને ભરૂચ ખાતે મોટવાણ અંદાડા પર નવી આઉટ પોસ્ટ કાર્યરત કરાશે. આ માટે રૂ. ૪૭.૧૮ કરોડના ખર્ચે કુલ ૧૪૦૧ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બને અને નાગરિકોને નજીકમાં નજીક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજયમાં વધતી જતી વસ્તીના પરિણામે નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવા અત્યંત અનિવાર્ય હોઇ વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ જિલ્લામાં આ નવા ૧૯ પોલીસ સ્ટેશનો PI/ PSI કક્ષાના કાર્યરત કરાશે.

તેમણે ઉમેર્યું કે, આ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવનાર છે. જેમાં સુરત શહેર / જિલ્લાના થઇ રહેલા વિકાસને ધ્યાને રાખીને સુરત શહેરમાં વેસુ, સારોલી, પાલ, ઉતરાણ અને અલથાણ મળી કુલ-૫ અને સુરત ગ્રામ્યમાં અનાવલ, મઢી, ઝંખવાવ, મળી કુલ - ૩ નવિન પોલીસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા છે. જે માટે ૫૮૬ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં અકોટા, કપુરાઇ, કુંભારવાડા અને અટલાદરા ખાતે નવા પોલીસ સ્ટેશન કાર્યરત થશે જે માટે ૩૦૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. એ જ રીતે વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે એક પોલીસ સ્ટેશન શરૂ કરાશે. જે માટે ૭૧ જગ્યાઓ મંજૂર કરાઇ છે. રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અને ગોંડલ સીટી બી-ડીવીઝન ખાતે પોલીસ સ્ટેશન શરૂ કરાશે. જે માટે ૨૧૧ જગ્યાઓ મંજૂર કરાઇ છે. ભરૂચ જિલ્લામાં પાનોલી અને ઝઘડીયા GIDC ખાતે નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે. જે માટે ૧૪૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તેમજ અરવલ્લી જિલ્લામાં ટીટોઇ આઉટ પોસ્ટને અપગ્રેડ કરીને પોલીસ ઇન્સ્પેટર કક્ષાનું પોલીસ સ્ટેશન ૭૧ જગ્યાઓ સાથે મંજૂર કરવામાં આવ્યું છે.

આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં કચ્છને આ ત્રીજું નવું પોલીસ સ્ટેશન મળ્યું છે જેથી, હું ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર વ્યકત કરું છું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રજાવત્સલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ કર્મીઓના રહેઠાણ માટે સર્વોત્ત્।મ વ્યવસ્થા ઊભી કરી છે જેથી ગુજરાત પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આપણો સુરક્ષા વિભાગ એટલું સજ્જ છે કે રાત્રે પણ નાગરિકોને રસ્તાઓ પર નીકળતા ભય નથી લાગતો.

આ તકે કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા પ્રજાની વ્યવસ્થાનો જ એક ભાગ એવા પોલીસ સ્ટેશન, કલેકટર ઓફિસ, શાળાઓ-કોલેજ તેમજ તમામ સરકારી સંકુલોને સુઆયોજિત રીતે તમામ રીતે ઉત્ત્।મ બનાવવામાં આવી છે. તથા તેની જાળવણી અને વ્યવસ્થા પણ ખૂબ સારી ઊભી કરી છે.આ તકે બોર્ડર રેન્જ-ભુજના મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયાએ જણાવ્યું હતું કે, આ નવા પોલીસ સ્ટેશનના નિર્માણ થકી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં હજી વધારો થશે અને કાયદો તેમજ વ્યવસ્થાની જાળવણી વધુ સારી રીતે થઇ શકશે.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘે કર્યુ હતું તો આભારવિધિ ભુજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલે કરી હતી.આ પ્રસંગે ભુજ નગરપતિ શ્રી ઘનશ્યામ ઠક્કર, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભુજ એપીએમસીના ચેરમેન શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, આઈબીના શ્રી જાડેજા તેમજ પોલીસ ખાતાના વિવિધ અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ અને માધાપર અને આસપાસના ગામોના ગ્રામજનો અને માધાપરની વિરાંગના બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)