Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પશ્ચિમ કચ્છના માધાપર પોલીસ સ્ટેશનનો ઈ-શુભારંભ : પોલીસ સ્ટેશનના નિર્માણથી સલામતી અને સુરક્ષામાં વધારો થશે: પ્રદીપસિંહ જાડેજા

આપણો સુરક્ષા વિભાગ એટલો સજ્જ છે કે રાત્રે પણ નાગરિકોને રસ્તાઓ પર નીકળતા ભય નથી લાગતો : રાજ્યમંત્રી વાસણભાઈ આહીર

(વિનોદ ગાલા દ્વારા ) (ભુજ) પશ્ચિમ કચ્છના નવરચિત માધાપર પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઇ-શુભારંભ કરાવ્યો હતો. હાલ ૨૬ ગામોના સમાવેશ સાથેના આ પોલીસ સ્ટેશનમાં પ્રથમ પી.આઇ. શ્રીમતી જશોદાબેન લેઉવા સહિત કુલ ૫૮ અધિકારી-કર્મચારીઓના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશનનો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની ડિજિટલ ઉપસ્થિતી તેમજ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ વિસ્તારનો ટ્રાન્સપોર્ટેશન, રેસ્ટોરન્ટ, બેંક તેમજ પ્રવાસન વગેરે ક્ષેત્રોમાં વિકાસ થઇ રહયો હોવાથી આ પોલીસ સ્ટેશન સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થતાં પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર કચ્છની સલામતી અને સુરક્ષામાં વધારો થશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અમલીકરણ ઝડપી બને તે માટે આ નવુ પોલીસ સ્ટેશન ખુબ જ ઉપયોગી નીવડશે.

     આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં કચ્છને આ ત્રીજું નવું પોલીસ સ્ટેશન મળ્યું છે જેથી, હું ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રજાવત્સલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ કર્મીઓના રહેઠાણ માટે સર્વોત્તમ વ્યવસ્થા ઊભી કરી છે જેથી ગુજરાત પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આપણો સુરક્ષા વિભાગ એટલું સજ્જ છે કે રાત્રે પણ નાગરિકોને રસ્તાઓ પર નીકળતા ભય નથી લાગતો.

   આ તકે કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા પ્રજાની વ્યવસ્થાનો જ એક ભાગ એવા પોલીસ સ્ટેશન, કલેકટર ઓફિસ, શાળાઓ-કોલેજ તેમજ તમામ સરકારી સંકુલોને સુઆયોજિત રીતે તમામ રીતે ઉત્તમ બનાવવામાં આવી છે. તથા તેની  જાળવણી અને વ્યવસ્થા પણ ખૂબ સારી ઊભી કરી છે. 

આ તકે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, આ નવું પોલીસ સ્ટેશન શરૂ થતા માધાપરના વિકાસકામોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે જે માટે સરકારશ્રી નો આભાર માનું છું. આજે સુરક્ષા સલામતિની સાથે ક્યાંક ને ક્યાંક ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે ઘર આંગણે જ પોલીસ સ્ટેશન મળતા માધાપર સહિત ૨૬ ગામોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહેશે. આ ઉપરાંત માધાપરની વિરાંગનાઓને તેમણે ૧૯૭૧થી સ્ત્રી સશક્તિકરણ નું ઉદાહરણ ગણાવ્યું હતુ.

આ તકે ભુજ ધારાસભ્યશ્રી ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ આજે તમામ નવી ટેકનોલોજી સાથે સજ્જ છે. ટેકનોલોજીની સાથે ક્રાઇમનું પ્રમાણ વધ્યું તો પોલીસ વિભાગ પણ ટેકનોલોજી દ્વારા સજ્જ બન્યું. ત્રીજી આંખ(સીસીટીવી) વગેરે જેવા સાધનોથી ક્રાઇમ શોધી કાઢવાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે અને એની સાથે કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નવા પોલીસ સ્ટેશનનો શુભારંભ એ ખૂબ જ અપેક્ષિત હતું. સાયબર ક્રાઈમ અને અભયમ હેલ્પલાઇન વગેરે જેવી કામગીરીને જોતાં પોલીસની કાર્યક્ષમતા માં ઉત્તરોઉત્તર વધારો થયો છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કાયદાઓ કાગળિયા પર નહિ જતા ખરેખર સમાજમાં સ્થાપિત બને તે માટે પોલીસ વિભાગ અને પ્રજાએ સંયુક્ત રીતે પ્રયાસ કરવા જોઈએ.

   આ તકે બોર્ડર રેન્જ-ભુજના મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયાએ જણાવ્યું હતું કે, આ નવા પોલીસ સ્ટેશનના નિર્માણ થકી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં હજી વધારો થશે અને કાયદો તેમજ વ્યવસ્થાની જાળવણી વધુ સારી રીતે થઇ શકશે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘે કર્યુ હતું તો આભારવિધિ ભુજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલે કરી હતી.

    આ પ્રસંગે ભુજ નગરપતિ શ્રી ઘનશ્યામ ઠક્કર, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભુજ એપીએમસીના ચેરમેનશ્રી શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, આઈબીના શ્રી જાડેજા તેમજ પોલીસ ખાતાના વિવિધ અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ અને માધાપર અને આસપાસના ગામોના ગ્રામજનો અને માધાપરની વિરાંગના બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(9:52 am IST)