Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કચ્છના અંજારમાં ભર બજારે ૬૫ લાખની લૂંટ કરનાર ત્રણ લુંટારૂઓને પકડવા પોલીસ ઉંધે કાંધ : સીસીટીવી અને ફોન લોકેશન સાથે તપાસનો ધમધમાટ

૬૨ લાખ રોકડા અને સોનાની ચેન, કાર સાથે ૬૫ લાખની લૂંટ, રેકી કરનાર લૂંટારૂઓએ ચોરાઉ બાઈકનો ઉપયોગ કર્યો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : ૬૨ લાખની રોકડ સાથે ૬૫ લાખની લૂંટના બનાવે અંજાર સહિત સમગ્ર કચ્છમાં સનસનાટી સર્જી છે. આ લૂંટના બનાવની વિગતો અનુસાર ગઈ કાલે સાંજે ૭.૩૦ થી ૮ વાગ્યા વચ્ચે અંજારની ખત્રી બજારમાં રીંગ રોડ ઉપર લોકોની અવરજવર વચ્ચે ધમધમતા રસ્તા ઉપર આ લાખો રૂપિયાની લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં રોજના રૂટિન પ્રમાણે પોતાની ઑફિસેથી ઘેર જઈ રહેલા એન.આર. આંગડિયા પેઢીના માલિક ભાવિન તુલસીદાસ ઠકકરની સ્વીફ્ટ કાર સાથે ત્રણ યુવાનોએ બાઈક અથડાવી હતી. અકસ્માત બાદ એક જણે કારનો કાંચ થપથપાવતા ભાવિનભાઈએ કાંચ નીચે ઉતાર્યો હતો પણ તેઓ કંઈ વધુ સમજે તે પહેલાં જ કાંચ થપથપાવનાર યુવાને ભાવિનભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી અને દરવાજો ખોલી બહાર ખેંચ્યા હતા. તે સાથે જ તેમણે પહેરેલી સોનાની ચેન ખેંચી તે યુવાન અને અન્ય એક એમ બે લુંટારૂઓ કારમાં સવાર થઈ અંદર રહેલ ૬૨ લાખ રૂપિયા ભરેલી બેગ લઈ નાસી છૂટ્યા હતા. જ્યારે બાઈક અથડાવનાર બાઈક રસ્તા ઉપર મૂકી દોડીને નાસી ગયો હતો. મુખ્ય બજારમાં સાંજે ૭/૩૦ થી ૮ વાગ્યાના અરસામાં ધમધમતા રીંગ રોડ ઉપર બનેલ લૂંટના બનાવને પગલે ચકચાર સાથે સનસનાટી મચી ગઇ હતી અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લાખોની લૂંટના બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો આવ્યો હતો. દરમ્યાન પોલીસે હાથ ધરેલી તપાસમાં લૂંટના બનાવમાં વપરાયેલ બાઈક બે દિવસ પહેલા શનિવારે બપોરે અંજારના રામકૃષ્ણ નગરમાંથી ચોરાઈ હતી. વિજય વિઠ્ઠલદાસ ઠક્કરની આ બાઈક ચોર્યા બાદ તેનો કલર બદલાવી, તેની ચેસિસ નંબર ભૂસી અને નંબર પ્લેટ કાઢી દેવાઈ હતી. પોલીસને સીસી ટીવી કેમેરામાં લુંટારૂઓને સ્કેચ મળી આવ્યો છે. તો, લુતાયેલા આંગડિયા માલિકનો મોબાઈલ કારમાં જ રહી ગયો હોઈ પોલીસે તેની લોકેશન શોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જીજે એએ ૩૪૨૩ નબરની કાર સહિત ત્રણેય લુંટારૂઓને ઝડપવા નાકાબંધી, ડોગ સ્કવોડ સહિતની તપાસ શરૂ કરી છે.

(9:46 am IST)