Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ખંભાળિયામાં વીર દાદા જસરાજજીની પુણ્યતિથિ નિમિતે વિવિધ સેવા કાર્યો

રકતદાન કેમ્પ, આયુષ્યમાન કેમ્પ તથા ચેક અપ કેમ્પનો લાભ લેતા નગરજનો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૪ : રઘુવંશી સમાજના કુળદેવતા, પ્રખર ધર્મ રક્ષક અને ગૌરક્ષક વીર દાદા જસરાજજીની રવિવારે પુણ્યતિથિ નિમિતે ખંભાળીયામાં સેવાકીય પ્રવૃતિઓના ભાગરૃપે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી.બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલા રકતદાન કેમ્પમાં મોટા પ્રમાણમાં રકત એકત્ર થયું હતું. જે અહીંની સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ સ્થળે યોજવામાં આવેલા આયુષ્યમાન ભારત કાર્ડ અંગેના કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સાથે અહીંના જાણીતા દંત ચિકિત્સક ડોકટર નિકિતા રૃપારેલીયા તથા ડોકટર ધ્વનિબેન બરછા દ્વારા વિનામૂલ્યે યોજવામાં આવેલા ડેન્ટલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ સેવા-સારવારનો લાભ લીધો હતો.

રઘુવંશી જ્ઞાતિના શૈક્ષણિક ક્ષેત્ર માટે પણ ખાસ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન માટે લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ સંસ્થાના હોદેદારો, યુવાઓ, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

(1:54 pm IST)