Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

જસદણમાં વાજસુરપરા મેઈન રોડનું બીલ કોન્‍ટ્રાક્‍ટરને ન ચુકવવા કોર્પોરેટર દ્વારા પાલિકાને લેખિત રાવ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા.૨૪: વોર્ડ નં.૨ માં આવેલ વાજસુરપરા મેઈન રોડને લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવ્‍યો છે. પરંતુ આ કામના કોન્‍ટ્રાક્‍ટર દ્વારા રોડની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતા વોર્ડ નં.૨ ના સત્તાપક્ષના કોર્પોરેટર બીજલભાઈ ભેસજાળીયા દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને વાજસુરપરા મેઈન રોડનું બીલ ન ચુકવવા લેખિતમાં રાવ કરવામાં આવી છે. જેમાં બીજલભાઈ ભેસજાળીયાએ જણાવ્‍યું છે કે, વાજસુરપ્રા વિસ્‍તારના મેઈન રોડ ઉપર જે કામ કરવામાં આવેલ છે. તે કોન્‍ટ્રાક્‍ટરે લેવલ વગરનો રોડ બનાવેલ છે અને મેઈન રોડના પાણી શેરીમાં ઘુસી જાય છે તેવી ફરિયાદ કોન્‍ટ્રાક્‍ટરને કરવામાં આવી હતી. તેમ છતાં કોન્‍ટ્રાક્‍ટર દ્વારા આ રોડનું લેવલ કરવામાં આવેલ નથી અને વાજસુરપરા શેરી નં.૧૦ માં રહેતા વિનોદભાઈ દેવશીભાઈ ઘોડકીયાના ઘર પાસે રોડમાં ખાડો રાખેલ છે. જેથી વરસાદી પાણી વિનોદભાઈ નામના રહીશના ઘરમાં ઘુસી જાય તેમ છે.

આ અંગે પણ ફરિયાદ કરી હતી છતાં કોન્‍ટ્રાક્‍ટર દ્વારા તે ખાડો રીપેરીંગ કરી રોડનું લેવલ કરવામાં આવ્‍યું નથી. આમ આ કામના કોન્‍ટ્રાક્‍ટર પોતાની મનમાની ચલાવી પોતાની મરજી પડે તેમ રોડ બનાવેલ છે. જેથી અમારી માંગણી છે કે જ્‍યાં સુધી રોડનું લેવલ સરખું કરવામાં ન આવે ત્‍યાં સુધી આ કોન્‍ટ્રાક્‍ટરનું બીલ ન ચુકવવા અંતમાં માંગ કરવામાં આવી છે.

ત્‍યારે હવે એ જોવાનું રહ્યું કે, શું જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા વાજસુરપરા મેઈન રોડમાં બેદરકારી દાખવનારા કોન્‍ટ્રાક્‍ટર સાથે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે કે પછી કોન્‍ટ્રાક્‍ટરને બીલ ચૂકવી હાશકારો અનુભવી લેશે એતો આવનારો સમય જ બતાવશે.

(11:41 am IST)