Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ચૂંટણી પૂર્ણ થતા જ નેચરલ ગેસના ભાવમાં અઢી રૂપિયાનો વધારોઃ મોરબી સિરામિક ઉદ્યોગકારોમાં રોષ

મોરબી તા.૨૩: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઇ ચૂકી છે. રાજ્યના નવા સીએમ અને ડેપ્યુટી સીએમના નામો પણ જાહેર થઇ ગયા છે. ત્યારે હવે ચૂંટણીની મોસમ પૂર્ણ થતા ફરીથી ભાવવધારાના ડામ આપવાનું સરકારે શરૂ કર્યુ છે. ગત રાત્રીના સમયે નેચરલ ગેસના ભાવમાં ર.૫૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા સિરામિક ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી  છે.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં સમયાંતરે ભાવવધારો આવતો હોય છે.જોકે, તાજેતરમાં ૨.૫૦ રૂપિયાનો ભાવવધારો રાતોરાત ઝીંકી દેવામાં આવ્યો છે. જેથી હવે કરાર કરેલી કંપનીઓએ અગાઉના ૨૪.૮૭ રૂપિયાને બદલે ૨૭.૩૭ રૂ. અને બિનકરાર કરેલી કંપનીઓએ અગાઉના ૩૦.૨૦ રૂ.ને બદલે ૩૨.૭૦ રૂપિયા ભાવ ચૂકવવો પડશે જેથીગેસના ભાવોમાં સીધો ૨.૫૦ રૂ.નો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાતા સિરામીક ઉદ્યોગ પર રોજનું ૮૫ લાખનું ભારણ વધતા મુશ્કેલીઓ વધવાની છે. આ અંગે મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ નીલેશભાઇ જેતપરિયાએ જણાવ્યુ છે કે ભાવવધારા સામે વિરોધ નથી પરંતુ અગાઉથી જાણ કરવામાં આવે તો ઉદ્યોગપતિઓ ભાવ સંતુલન જાળવી શકે તો આ ભાવવધારાનો નિર્ણય રાતોરાત લેવાયો છે જે યોગ્ય નથી તેમજ હાલ યુરોપના દેશોમાં ગેસની ડીમાંડ વધે જેની અસર સપ્લાય પર થવાથી શિયાળામાં ભાવવધારો આવે છે જોકે સૂત્રો જણાવી રહ્યા છે કે આ ભાવવધારાનો નિર્ણય રાજકીય દ્રેષ આધારિત હોઇ શકે છે કારણકે મોરબી જીલ્લામાંથી ભાજપના સૂપડા સાફ થયા હતા અને પાટીદાર આંદોલનની પણ તીવ્ર અસર જોવા મળી હતી. જેથી રાતોરાત ગેસના ભાવવધારાનો નિર્ણય કરવામાં આવ્યો હોઇ શકે છે.

(3:58 pm IST)