Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

‘આપ'ના CM પદના દાવેદાર અને ખંભાળીયાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જામ સલાયા ખાતે ડોર ટૂ ડોર લોકસંપર્ક

જામસલાયામાં ઈસુદાન ગઢવીને ગ્રામજનો દ્વારા ખૂબ જ સમર્થન મળ્‍યું અને દરેક ગ્રામજનોએ ઈસુદાન ગઢવીને વિજય માટે આશીર્વાદ આપ્‍યા : ઈસુદાન ગઢવીએ માછીમારી સમિતિના વિવિધ પડતર પ્રશ્નો સાંભળ્‍યા અને સરકાર બનતાની સાથે તમામ સમસ્‍યાનું નિવારણ માટે બાંહેધરી આપીઃ ઈસુદાન ગઢવીએ ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટી ઘર-ઘર સુધી પહોંચાડી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩: આમ આદમી પાર્ટીના મુખ્‍યમંત્રી પદના દાવેદાર અને ખંભાળીયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જામ સલાયા ખાતે ડોર ટૂ ડોર પ્રચાર કરી લોક સંપર્ક કર્યું. આ દરમિયાન ઈસુદાન ગઢવીને ગ્રામજનો દ્વારા ખૂબ જ સમર્થન મળ્‍યું હતું અને દરેક ગ્રામજનોએ ઈસુદાન ગઢવીને વિજય માટે આશીર્વાદ આપ્‍યા અને પોતાની વેદના જણાવતા કહ્યું કે, બસ જલ્‍દીથી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને ગુજરાતમાં સકારાત્‍મક પરિવર્તન લાવો. ત્‍યારબાદ ઈસુદાન ગઢવીએ માછીમારી સમિતિના વિવિધ પડતર પ્રશ્નો સાંભળ્‍યા અને સરકાર બનતાની સાથે તમામ સમસ્‍યાનું નિવારણ માટે બાંહેધરી આપી. આ તકે જામ સલાયાના અનેક સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ઇસુદાન ગઢવીએ ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન લોકોને અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટી વિશે જણાવતા કહ્યું કે, યુવાઓ માટે ૧૦ લાખ સરકારી નોકરીની ગેરંટી આપી છે અને નોકરી મળે નહીં ત્‍યાં સુધી દર મહિને રૂપિયા ૩૦૦૦ બેરોજગારી ભથ્‍થું મળશે, સરકારી પરીક્ષા આપવા જવા માટે બસ ભાડું મફત રહેશે, ૮૦% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે, પેપર લીક વિરુદ્ધ કડક કાયદો આવશે, IAS, IPS, એન્‍જિનિયરિંગ, મેડીકલમાં એડમિશન લેવા માંગતા યુવાઓ માટે ‘જય ભીમ યોજના' લાગુ કરવામાં આવશે.

ભારતને આગળ વધારવા માટે દેશને શિક્ષિત બનાવવા માટે બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવશે, ખાનગી શાળાઓમાં પણ ફી નિયંત્રણ માટે કાયદો રાખવામાં આવશે. કાચા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. સફાઇકર્મીઓના પગાર વધારી અને કોન્‍ટ્રાક્‍ટ સિસ્‍ટમ બંધ કરીને તમને કાયમી નોકરી આપવામાં આવશે. મહિલાઓ માટે ખાસ ગેરંટી આપવામાં આવી છે, ૧૮ વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને રૂા. ૧૦૦૦ સન્‍માન રાશિ આપવામાં આવશે.

ગુજરાતમાં લોકોને સારી સારવાર મળી રહે તેના માટે શાનદાર સરકારી હોસ્‍પિટલ બનાવવામાં આવશે તેની સાથે દરેક ગલી, દરેક ગામ, દરેક જિલ્લા, દરેક શહેરમાં મોહલ્લા ક્‍લિનિક બનાવવામાં આવશે. ગુજરાતમાં ૨૦ હજાર મોહલ્લા ક્‍લિનિક બનાવવામાં આવશે. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્‍ટ, તમામ ઓપરેશન મફત થશે. લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે.ભારત કૃષિ પ્રધાન દેશ છે પરંતુ આ દેશના ખેડૂતો ખૂબ મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી ખેડૂતો માટે પણ કેજરીવાલજીએ ખેડૂતો માટે પણ ગેરંટી આપી છે કે, ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે, MSP મળશે, પાણી મળશે અને ખેતીવાડી માટે ઓછામાં ઓછા ૧૨ કલાક વીજળી પણ મળશે. વેપારીઓને GST અને VAT ના પેન્‍ડિંગ રિફંડ મળશે. લાયસન્‍સ રાજ, રેડ રાજ અને હપ્તાખોરી બંધ કરીને ભયમુક્‍ત વાતાવરણ બનાવવામાં આવશે. જામ સલાયાના લોકોએ ઈસુદાન ગઢવીની દરેક વાત સમજી અને આમ આદમી પાર્ટીને જ મત આપવાનો વાયદો કર્યો હતો.

(12:00 pm IST)