Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સૌરાષ્‍ટ્રમાં વાવેતરનું ચિત્ર : ઘઉં સૌથી વધુ જૂનાગઢ, ચણા સૌથી વધુ અમરેલી જિલ્લામાં

રાજકોટ જિલ્લામાં ૧૭૪૦૦ હેકટરમાં ઘઉં અને ૨૪૭૦૦ હેકટરમાં ચણા વાવવામાં આવ્‍યા : રાજ્‍યમાં કુલ વાવેતર ૩૬.૭૯ ટકા

રાજકોટ તા. ૨૩ : રાજ્‍યમાં રવિ (શિયાળુ) વાવેતરની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્‍યના અલગ-અલગ ભાગોમાં જમીનની ફળદ્રુપતાના આધારે અલગ-અલગ પાક વાવવામાં આવે છે. સૌરાષ્‍ટ્રમાં ચોમાસામાં મુખ્‍યત્‍વે કપાસ અને મગફળી તથા શિયાળામાં ઘઉં અને ચણા વાવવામાં આવે છે. આ વખતે પણ એ જ ક્રમ જળવાઇ રહ્યો છે. ગઇકાલ સુધીમાં રાજ્‍યમાં કુલ ૩૬.૭૯ ટકા વાવેતર થઇ ગયું છે.

સૌરાષ્‍ટ્રમાં ઘઉં અને ચણાના વાવેતરનું ચિત્ર અલગ-અલગ છે. ઘઉંનું સૌથી વધુ ૫૧૧૦૦ હેકટરમાં જુનાગઢ જિલ્લામાં વાવેતર કરવામાં આવ્‍યું છે. ચણા વાવવામાં અમરેલી જિલ્લો પહેલા નંબરે છે જ્‍યાં અત્‍યાર સુધીમાં ૫૨૯૦૦ હેકટરમાં વાવેતર થઇ ચૂક્‍યું છે. ઘઉંના વાવેતરની આંકડાકીય સ્‍થિતિ જોઇએ તો સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૪૪૦૦, રાજકોટ જિલ્લામાં ૧૭૪૦૦, જામનગર જિલ્લામાં ૧૦૦૦૦, પોરબંદરમાં ૪૮૦૦, ગીર સોમનાથ જિલ્લામાં ૩૨૬૦૦, મોરબી જિલ્લામાં ૩૫૦૦, બોટાદ જિલ્લામાં ૩૮૦૦, દ્વારકા જિલ્લામાં ૬૦૦૦ અને ભાવનગર જિલ્લામાં ૬૬૦૦ હેકટરનું વાવેતર થઇ ચૂક્‍યું છે. સૌરાષ્‍ટ્રમાં ઘઉંનું કુલ વાવેતર ૧૫૭૪૦૦ હેકટરમાં અને ચણાનું કુલ વાવેતર ૨૪૬૪૦૦ હેકટરમાં કરવામાં આવેલ છે. હજુ વાવણી ચાલુ છે. ઘઉં ચણા ઉપરાંત જીરૂ, ધાણા, લસણ વગેરેનું પણ વાવેતર થયું છે. આ બધા પાક ત્રણેક મહિના પછી બજારમાં દેખાશે.

ગુજરાતમાં ઘઉંનું ૨૧.૩ ટકા, ચણાનું ૩૨.૭૧ ટકા, રાયનું ૧૦૨.૭ ટકા, શેરડીનું ૫૦.૫ ટકા, ધાણાનું ૮૦.૮૪ ટકા, લસણનું ૬૯.૩૫ ટકા વાવેતર થયું છે. ગયા વર્ષના ૨૧ નવેમ્‍બર સુધીમાં ૭,૦૬,૬૪૪ હેકટરમાં વાવેતર થયેલ તે આ વખતે બમણાથી વધુ ૧૬,૪૬,૪૬૫ હેકટરમાં થયેલ છે. રવિ મોસમ ખૂબ સારી રહેવાની ખેડૂતોને આશા છે.

(11:38 am IST)