Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જૂનાગઢ બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્‍ચે તીવ્ર રસાકસી

ભાજપનો નવો ચહેરો સંજય કોરડીયા અને કોંગ્રેસના ભીખાભાઈ જોષી વચ્‍ચે ફાઈટ : આપમાંથી ચેતન ગજેરા પણ મેદાનમાં : મુખ્‍ય ત્રણ ઉમેદવાર અલગ-અલગ જ્ઞાતિના : મતોનું વિભાજન થવાની પ્રબળ સંભાવના : કુલ ૨૮૭૬૬૮ મતદારો, ૧૪૭૯૦૨ પુરૂષ અને ૧૩૯૭૫૧સ્ત્રી મતદારો મતદાન કરશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગાંધીનગરની ગાદી કબ્‍જે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવ્‍યુ છે. ત્‍યારે સોરઠના મુખ્‍ય મથક જૂનાગઢ વિધાનસભાની બેઠક માટે પણ ચૂંટણી જંગ જામ્‍યો છે. ૮૬-જૂનાગઢ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે તીવ્ર રસાકસી જોવા મળી રહી છે.ᅠ

જૂનાગઢ બેઠક પર ૧૯૯૮થી ચાર ટર્મ એટલે કે ૨૦ વર્ષ ભાજપનું શાસન રહ્યા બાદ ર૦૧૭માં કોંગ્રેસે જૂનાગઢ બેઠક હાંસલ કરેલ, ત્‍યારે આ વખતે જૂનાગઢ બેઠકની ચુંટણીમાં ભાજપે જૂનાગઢને સર કરવા માટે નવો ચહેરો સંજય કોરડીયાને મેદાનમાં ઉતાર્યા છે.ᅠ

આ બેઠક પર કુલ નવ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમા ભાજપના સંજય સુખાભાઈ કોરડીયા ઉપરાંત કોંગ્રેસે રીપીટ કરેલા ઉમેદવાર જોષી ભીખાભાઈ ગલાભાઈ તેમજ આમ આદમી પાર્ટીમાંથી ચેતનકુમાર હરસુખભાઈ ગજેરા, બહુજન સમાજ પાર્ટીમાંથી મયુરભાઈ હરીલાલ રાણવા, ભારતીય જન પરિષદમાંથી ગોરફાડ દિલીપકુમાર રણછોડભાઈ, અપક્ષ ઘનશ્‍યામકુમાર હિંમતભાઈ મશરૂ, મમતાબેન જયંતિલાલ બોતવાડીયા, શશીકાંત કરશનભાઈ રાવત અને અપક્ષ હરેશ મનુભાઈ સરધારા સહિત કુલ નવ ઉમેદવારોએ જૂનાગઢ બેઠકની ચૂંટણીના જંગમાં જંપલાવ્‍યુ છે.ᅠ

જૂનાગઢ બેઠક કોંગ્રેસે જાળવી રાખવા માટે ફરી વખત ધારાસભ્‍ય ભીખાભાઈ જોષીને મેદાનમાં ઉતાર્યા છે. જો કે, ભાજપે જૂનાગઢ બેઠક કબ્‍જે કરવા નવો ચહેરો અને જૂનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સંજયભાઈ કોરડીયાને ટીકીટ આપી છે.ᅠ

ગિરી તળેટીમાં વસેલા જૂનાગઢને સર કરવા અત્‍યારે ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે કાંટે કી ટક્કર છે. મુખ્‍ય ઉમેદવારો પ૦ વર્ષીય સંજયભાઈ કોરડીયાનો અભ્‍યાસ ૧ર પાસ છે. જયારે ૭૭ વર્ષીય કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોષીએ જુની એસ.એસ.સી. સુધીનો અભ્‍યાસ કર્યો છે. આપના ૩૪ વર્ષીય ઉમેદવાર ચેતન ગજેરા ૧ર સુધીનું ભણ્‍યા છે.ᅠ

જૂનાગઢ બેઠકનું રાજકીય ઈતિહાસ ખુબ જ રસપ્રદ છે. છેલ્લી ૧૩ ચુંટણીમાં કોંગ્રેસે છ વખત અને ભાજપે ચાર વખત બેઠક કબ્‍જે કરી હતી. ૧૯૯૮થી ર૦૧ર સુધીની ચાર ચુંટણીમાં ભાજપમાંથી સતત ચાર ટર્મ સુધી લોકસેવક મહેન્‍દ્રભાઈ મશરૂની જીત થતી આવી હતી. તેને વર્ષ ર૦૧૭માં બ્રેક મારીને કોંગ્રેસના ભીખાભાઈ જોષીએ ૬ હજાર મતે વિજયી મેળવીને ભાજપના ગઢમાં ગાબડુ પાડ્‍યુ હતુ.ᅠ

જૂનાગઢ બેઠકના કુલ મતદાર ૨૮૭૬૬૮ છે જેમા ૧૪૭૯૦૨ પુરૂષ અને ૧૩૯૭૫૧ સ્ત્રી મતદારો છે. જો જ્ઞાતિવાર મતદારોની સંખ્‍યા જોવામાં આવે છે. લઘુમતી સમાજના ૪૫૦૦૦ મત છે, ૩૫૦૦૦ પાટીદાર મતદારો છે અને એટલા જ એટલે કે ૩૫૦૦૦ ભુદેવ મતદારો છે. જયારે ૩૦૦૦૦ દલીત મતદારો અને ૧૫૦૦૦ લોહાણા મતદારો અને એટલી જ સંખ્‍યામાં એટલે કે ૧૫૦૦૦ પ્રજાપતિ મતદારો જૂનાગઢ બેઠક હેઠળ છે.ᅠ

જૂનાગઢ બેઠકના મુખ્‍ય ત્રણ ઉમેદવારો ભાજપના સંજયભાઈ કોરડીયા(કડવા પટેલ), કોંગ્રેસના ભીખાભાઈ જોષી(બ્રાહ્મણ) અને આપના ચેતન ગજેરા(લેઉઆ પટેલ) અલગ-અલગ જ્ઞાતિના હોવાથી મતોનું વિભાજન થવાની પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. આથી ઉમેદવારોએ અંદરખાને જ્ઞાતિના ચોગઠા ગોઠવવાનું શરૂ કર્યુ હોવાનુ જાણવા મળેલ છે. આ બેઠક પર સર્વાધીક લઘુમતી, બ્રાહ્મણ, પાટીદાર, લોહાણા, દલીત અને પ્રજાપતિ સમાજના મતદારોનું પ્રભુત્‍વ હોવાથી મુખ્‍ય પક્ષના હરીફ ઉમેદવારોએ પોતાની જ્ઞાતિના મત અંકે કરવા માટે આકાશ પાતાળ એક કરવાનું શરૂ કર્યુ છે. પરંતુ હાલ મતદારો પણ શાણા બની ગયા હોવાથી પોતાનો મન પડાવવા દેતા નથી જેથી મુખ્‍ય પક્ષના હરીફ ઉમેદવારો સતત ડોર ટુ ડોર સંપર્ક કરી પોતાના તરફ વાળવા મહેનતમાં લાગી ગયા છે. આથી આ વખતે જ્ઞાતિ સમાજના મત કેટલા કયાં ઉમેદવારને મળે છે તે જોવુ રહ્યુ.ᅠ

ત્‍યારે જૂનાગઢ બેઠક કબ્‍જે કરવા માટે ચુંટણી જાહેર થઈ તે અગાઉ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ જૂનાગઢ ખાતે સભાને સંબોધન કર્યુ હતુ અને વિકાસ કામોની જાહેરાત કરી હતી. આ જ પ્રમાણે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જૂનાગઢ શહેરમાં રોડ-શો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ પણ તેમના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કર્યો છે.ᅠ

ᅠ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં જૂનાગઢ બેઠક પર ભાજપને ૭૦૭૬૬ અને કોંગ્રેસને ૭૬૮૫૦ મત મળ્‍યા હતા. જેમા ૬૦૮૭ મતે વિજેતા થયેલા કોંગ્રેસના ભીખાભાઈ જોષીને જૂનાગઢ મહાનગરમાંથી રર૬૫૮૩ મતદારોમાંથી ૬૪૦૧૭ અને ભાજપના મહેન્‍દ્રભાઈ મશરૂને ૬૪૪૨૦ મત મળ્‍યા હતા. આમ આમ જૂનાગઢ શહેરી વિસ્‍તારમાંથી ભાજપને માત્ર ૪૦૩ મતની લીડ નિકળી હતી. જયારે ગ્રામ્‍ય વિસ્‍તારોના કુલ મતદારો ૨૮૬૮૬ મતદાતાઓમાંથી ભાજપને ૫૫૭૩ અને કોંગ્રેસને ૧૧૩૦૭ મત મળ્‍યા હતા. કોંગ્રેસને ગામડાઓમાં પ૭૩૪ મતની લીડ મળતા ભીખભાઈ જોષી ચુંટાઈ આવ્‍યા હતા.ᅠ

આ વખતે જૂનાગઢ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી કોને કેટલા મત જાય છે તે પણ જોવાનું રહેશે. સૌથી વધુ મતદારો જૂનાગઢ શહેરના હોવાથી સીટીના મતદાતાઓ કોંગ્રેસ-ભાજપ અને આપના કયાં ઉમેદવારની પસંદગી કરીને તેમને વિજયની વરમાળા પહેરાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

(11:21 am IST)